
આગામી 30 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદ ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ છે. કેટલાક જિલ્લામાં તો યલો એલર્ટ અપાયુ છે.
રાજ્યમાં એક વખત ફરી હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજના દિવસે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ બદલાવ વધુ અસરકારક બની શકે છે.
હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટનો અર્થ છે કે હવામાનમાં અચાનક ફેરફાર, ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે.
કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હાલ ઘણા વિસ્તારોમાં રબી પાક પાકવાની અવસ્થામાં છે. ખાસ કરીને ઘઉં, જીરૂં, બટાકા અને શાકભાજી જેવા પાકોને નુકસાન પહોંચી શકે છે. ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અચાનક પડતા વરસાદથી ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી શકે છે.
હવામાન નિષ્ણાતોએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવાની, વીજળીના તારોથી દૂર રહેવાની અને ખુલ્લી જગ્યાએ આશરો ન લેવા સૂચના આપી છે. ખેડૂતોએ પાકને શક્ય હોય તેટલી સુરક્ષા આપવાની અને કાપણી માટે તૈયાર પાકને વહેલી તકે સંભાળવાની સલાહ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છને છોડી હાલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી આફત જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છે અને આગામી 30 કલાક સુધી પણ આવી જ સ્થિતિ રહેશે તેવી આગાહી છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે અનેક જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
Published On - 9:37 am, Tue, 24 February 26