Lateral entry : મોદી સરકારનો 72 કલાકમાં યુ-ટર્ન, યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ભરતી કરાઈ રદ
કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ પદો પર ભરતી કરવાનો આદેશ 72 કલાકની અંદર પાછો ખેંચી લીધો છે. કર્મચારી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહ, દ્વારા પત્ર લખ્યા પછી, UPSC હવે તેની ઔપચારિક સૂચના બહાર પાડશે.
કેન્દ્ર સરકારે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાના મામલે યુ-ટર્ન લીધો છે. કર્મચારી વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને નિર્ણય પાછો ખેંચવા કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જીતેન્દ્ર સિંહના આ પત્ર પછી UPSC નોટિફિકેશન પાછું ખેંચવાનો ઔપચારિક આદેશ જાહેર કરશે. ત્રણ દિવસ પહેલા, યુપીએસસીએ સંયુક્ત સચિવ અને નિયામક સ્તરની 45 જગ્યાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી માટેની જાહેરાત બહાર પાડી હતી.
યુપીએસસીની આ જાહેરાતે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. વિપક્ષે આ જાહેરાતને બંધારણ, દલિતો અને આદિવાસીઓના અધિકારો સાથે જોડીને ભારે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ મોદી સરકારને ટેકો આપતા એનડીએ સરકારના સાથી પક્ષોએ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા હતા. અંતે, મોદી સરકારને 72 કલાકની અંદર જ યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આ અંગે, કેન્દ્રએ આદેશ પાછો ખેંચવાની જાહેરાત કરી છે.