TV9 Exclusive Video : જાણો પાબીબેન રબારીની લોકલથી ગ્લોબલ સુધીની સફર
કચ્છમાં હસ્તકળા ક્ષેત્ર સાથે અનેક મહિલાઓ જોડાયેલી છે. પરંતુ અંજારના ભાદરોઈ ગામના પાબીબેન (Pabiben Rabari) કંઈક અલગ છે. લગ્ન પછી 2016માં તેમની કળાને તેઓએ બ્રાન્ડ બનાવવાનુ નક્કી કર્યુ અને કચ્છી હસ્તકળાનો ઉપયોગ કરી એક બેગ બનાવ્યું અને તેનુ ઓનલાઈન ટ્રેડીંગ પણ શરૂ કર્યુ. આજે તે એક બ્રાન્ડ છે અને સામાન્ય પાબીબેન આજે પાબીબેન ડોટકોમના નામે ઓળખાય છે.
એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.
આમ તો આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓએ કાઠુ ન કાઢ્યુ હોય પરંતુ કેટલીક મહિલાઓ એવી છે જેમને ન માત્ર શુન્યમાંથી સર્જન કર્યુ હોય પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા હોય. તો આજે તમને એક એવા જ મહિલા વિશે જણાવીએ. અંજાર તાલુકાના ભાદરોઈ ગામના પાબીબેન રબારી કે જેમના નામની બેગ આજે વિશ્વ વિખ્યાત છે અને તેઓ પાબીબેન ડોટકોમના નામે ઓળખાય છે.
કચ્છમાં હસ્તકળા ક્ષેત્ર સાથે અનેક મહિલાઓ જોડાયેલી છે. પરંતુ અંજારના ભાદરોઈ ગામના પાબીબેન કંઈક અલગ છે. લગ્ન પછી 2016માં તેમની કળાને તેઓએ બ્રાન્ડ બનાવવાનુ નક્કી કર્યુ અને કચ્છી હસ્તકળાનો ઉપયોગ કરી એક બેગ બનાવ્યું અને તેનુ ઓનલાઈન ટ્રેડીંગ પણ શરૂ કર્યુ આજે તે એક બ્રાન્ડ છે અને સામાન્ય પાબીબેન આજે પાબીબેન ડોટકોમના નામે ન માત્ર ગુજરાત-કચ્છ કે ભારત પરંતુ વિદેશમાં પણ ઓળખાય છે.
સંઘર્ષ કરીને પગભર થવાની સાથે એક અલગ ઓળખ
નાનપણથી જ પાબીબેનને કંઈક અલગ કરવાનો વિચાર હતો પરંતુ તેમના માટે સામાજિક બંધન અને માન્યતામાંથી બહાર આવી કંઈક અલગ કરવુ એક સંઘર્ષ હતો, જો કે પતિનો સહયોગ મળ્યો અને સામાજીક સંસ્થાઓની મદદથી તેઓએ મહિલાઓને સાથે જોડી વિવિધ વસ્તુઓ સાથે બેગ બનાવવાનુ નક્કી કર્યુ અને આજે એ એક બ્રાન્ડ છે. પાબીબેન કહે છે કે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ આજે તેઓ પગભર થયા છે સાથે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.
કોણ છે પાબીબેન રબારી
પાબીબેન રબારીનો જન્મ મુન્દ્રાના કુકડસર ગામે થયો હતો. પિતા પશુપાલન વ્યવસાય કરતા હતા અને પરિવારના અન્ય સભ્યો નાનુ-મોટુ ભરતકામ કરતા પાબીબેનના પિતાને ત્રણે સંતોનોમાં દિકરીનો જન્મ થયો હતો, જેથી સામાજીક રીઢુતાને કારણે તેઓ કંઈક અલગ કરવા સતત મથતા રહ્યા. જો કે લગ્ન બાદ તેઓ ભાદરોઈ આવ્યા અને તેના પતિના પ્રોત્સાહન થકી તેઓએ કચ્છી ભરતકામ અને વસ્તુઓ થકી બેગ બનાવી જેનુ ટ્રેડીંગ શરૂ કર્યુ જેના થકી પાબીબેન ને બાદમાં અનેક એવોર્ડ પણ મળ્યા છે.
અન્ય માટે પ્રેરણારૂપ છે પાબીબેન
પાબીબેનએ જ્યારે પર્સ સહિતની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી ત્યારે 5 મહિલાઓ સાથે તેઓએ કામ શરૂ કર્યુ હતું. જો કે ત્યારબાદ તેમના ફેમસ થયેલા પર્સની કારણે તેઓએ નામના મેળવી અને પોતાની સાથે અન્ય મહિલાઓને પણ પગભર કરવાનુ નક્કી કર્યુ. આજે પાબીબેન સાથે 300 મહિલાઓ જોડાયેલી છે, જેઓ કારીગરીનું કામ કરી પૈસા અને નામ બંને કમાઈ રહ્યા છે. મહિલાઓ માને છે કે પાબીબેન અન્ય માટે પ્રેરણારૂપ છે.
આંતરરાષ્ટ્રીય ફેશન વોકમાં આ બેગનો ઉપયોગ
પાબીબેનના બેગ આંતરરાષ્ટ્રીય ફેશન વોકમાં ઉપયોગ થાય છે. આ સાથે દેશ-વિદેશથી તેની ઓનલાઇન ડીમાન્ડ પણ ઘણી છે. એક સમયે પાબીબેન માત્ર 70,000 રૂપિયા કમાણી કરતા હતા અને ત્યારબાદ તેઓએ અનેક જગ્યાએ એક્ઝીબિશન કર્યા જેમાં ક્યાંક નિરાશા પણ મળી પરંતુ આજે તેઓ 5,00,000થી પણ વધુની આવક કરે છે. આ સાથે અન્ય મહિલાને રોજગારી પણ આપે છે. પાબીબેન કહે છે કે દરેક મહિલાએ પ્રયત્નો કરવા જોઈએ સફળતા એકવારમાં મળતી નથી.
એક સફળ મહિલા પાછળ એક પતિનો હાથ
એવું કહેવાય છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક મહિલાનો હાથ હોય છે. પરંતુ પાબીબેનની સફળતા પાછળ અને તેમની મહેનત સાથે તેમના પતિનો સહયોગ પણ એટલો જ મહત્તવનું છે. તેઓ સતત તેના વ્યવસાય માટે પ્રોત્સાહન કરતા રહ્યા છે, આજે તેમની સફળતા પછી લોકો તેને પાબીબેનના પતિ તરીકે ઓળખે છે. તેઓ તે માટે ગર્વ અનુભવે છે. આજે પાબીબેનના ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન બેગ તથા અન્ય હેન્ડ્રીક્રાફટની વસ્તુઓની જોરદાર ડીમાન્ડ છે.
પાબીબેને રોજગારી સાથે આજે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે અને સાથે અનેક સન્માન પણ મેળવ્યા છે. તેમના પતિ કહે છે કે તેમનામાંથી અન્ય મહિલાઓ પ્રેરણા લઈ રહી છે. તેની ખુશી પાબીબેનને વધુ છે. એક સામાન્ય મહિલા પાબીબેનમાંથી આજે તેઓ એક બ્રાન્ડ પાબીબેન ડોટકોમ ચલાવી રહ્યા છે. જેને કોઈ ઓળખની જરૂર નથી અને મહિલા દિવસે પાબીબેનના સંધર્ષ અને જીવનમાંથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ.