TV9 Exclusive Video: ગુજરાત સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત સરકાર રચી અને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ 2.0માં માત્ર 17 મંત્રી છે અને તેમાં પણ ખાસ એકમાત્ર મહિલા મંત્રી છે ભાનુબેન બાબરીયા (Bhanuben Babariya). ભાનુબેન રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી જીતીને આવ્યા છે અને હાલમાં તેમની પાસે સામાજિક ન્યાય અને અધિકારિતા સહિત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ છે.
એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.
એક બાજુ મંત્રી તો બીજી બાજુ માતા, પત્ની, વહુ, દીકરી
સ્ત્રીને જીવનના દરેક પડાવમાં અલગ અલગ રોલ, જવાબદારી નિભાવવાની હોય છે. ક્યારેક દીકરી તો ક્યારેક માતા, ક્યારેક આદર્શ વહુ તો ક્યારેક પ્રેમાળ પત્ની બનીને રહેવું પડે. આટલી બધી જવાબદારી હોવા છતાં તેના ચહેરા પર ક્યારેય થાક અથવા ઉદાસીનતા જોવા નથી મળતી અને એટલે જ તો કહેવાય છે કે એક નારી સો પર ભારી.
ભાનુબેન પાસે પોતાના બાળકો સહિત ગુજરાતભરના બાળકોની જવાબદારી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકેની છે. બાળકોની સાથે સાથે તેમની માતા, ગુજરાતભરની મહિલાઓના વિકાસ અને કલ્યાણ માટે કામ કરવાનું હોય છે. ભાનુબેન સૌરાષ્ટ્રના સંયુક્ત કુટુંબમાંથી આવે છે, એટલે સ્વભાવિક છે કે ઘરમાં અનેક સભ્યો હોવાની સાથે જવાબદારી પણ અનેક હોય છે. પરંતુ જેટલુ સારી રીતે ભાનુબેન મંત્રીપદ સંભાળે છે એટલું જ સારી રીતે તેઓ પોતાના પરિવાર પ્રત્યેની તેમની જવાબદારી પણ નિભાવે છે.
મોંઘવારીમાં મહિલાઓ માટે બજેટમાં શું છે ખાસ?
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ વખતના બજેટમાં તેમને ખાસ મહિલાઓના વિકાસ માટે અનેક યોજના બનાવી છે. વડાપ્રધાનનું બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન વધુ વેગવંતુ બને તેવા પ્રયાસો કરાશે. મોંઘવારીમાં ઘરની આવક ઘરનો ખર્ચ બધુ બેલેન્સ કરવુ મહિલાઓ માટે હવે મુશ્કેલ બની ગયું છે.
ત્યારે સારું બજેટ બનાવવું જેથી મહિલાઓને અગવળતા ન પડે તે જરૂરી છે. બજેટમાં દીકરીઓ, મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત યુથ માટે સારામાં સારું બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચે, છેવાડા માનવી સુધી આ યોજનાઓ પહોંચે અને વધુમાં વધુ લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે તે માટેના પ્રયાસો હાલ સરકાર કરી રહી છે.
લોકોની સેવા કરવા હું માત્ર નિમિત બની: ભાનુબેન
નાનપણથી સેવા કરવાનો ભાવ હતો, પરિવારના સભ્યો પણ વર્ષોથી સંઘ અને રાજકારણ સાથે જોડાયેલા છે. એટલે પહેલાથી જ લોકોની મદદ અને સેવા કરવાની ઈચ્છા હતી, જેથી ઈશ્વરે મને નિમિત બનાવી તેવું ભાનુબેનનું કહેવું છે. ભાનુબેન મંત્રીની સાથે એક માતા પણ છે એટલે સ્વાભાવિક છે કે પરિવારની યાદ આવે, બાળકો સાથે સમય વિતાવવાની ઈચ્છા થાય ત્યારે તેવો બાળકોને ગાંધીનગર બોલાવી તેમની સાથે સમય વ્યતીત કરે.
ભાનુબેનનું કહેવું છે કે તેમની દીકરીને ભજીયા ખૂબ ભાવે એટલે જ્યારે બાળકો અહીં આવે ત્યારે તેવો પોતાના હાથનું જમવાનું બનાવી તેમના પરિવારને જમાડે તો બીજી બીજુ ભાનુબેનનું કહેવું છે સરકારે જવાબદારી સોંપી છે તો ગુજરાતની જનતાનું કામ પણ કરવાનું છે એટલે મારા માટે સમગ્ર ગુજરાત જ મારો પરિવાર છે. ભાનુબેનનો સ્વભાવ નાનપણથી જ સેવાકીય રહ્યો છે. નાનપણમાં પણ તેઓ જી એસ, ક્લાસ મોનીટર રહી ચુક્યા છે અને શાળામાં પણ જી એસની ચૂંટણી થાય મોનીટરની ચૂંટણી થાય તો વોટીંગ પ્રક્રિયામાં પણ વિજેતા બનતા.