મહારાષ્ટ્ર વીડિયો: બાળકોને ‘ડે કેર’માં મૂકતા પહેલાં ચેતજો ! ડોમ્બિવલીમાં ચાલતા હેપ્પી કિડ્સ ડે કેરમાં બાળકોને માર મારવાની ઘટના
માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના મુંબઈના ડોમ્બિવલીમાંથી પણ સામે આવી છે. માતા-પિતા બન્ને જ્યારે નોકરિયાત હોય ત્યારે ઘરે બાળકને સંભાળનાર કોઈ ન હોય ત્યારે તેઓ તેમના વ્હાલસોયા બાળકને કોઈ "ડે કેર"માં મૂકતા હોય છે. પરંતુ ડોમ્બિવલીના એક આવાં જ "ડે કેર"માંથી ખૂબ જ ભયાવહ દૃશ્યો સામે આવ્યા છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં ચાલતા એક બેબી સિટિંગ સેન્ટરમાંથી કંઈક એવાં દૃશ્યો સામે આવ્યા કે બાળકોના માતા-પિતા હેબતાઈ જ ગયા. “હેપ્પી કિડ્સ ડે કેર”માં કે જ્યાં તેઓ પોતાના કાળજાના કટકાને ખૂબ જ વિશ્વાસ સાથે ડે કેરમાં મૂકીને નોકરીએ જતાં હતા. ત્યાં બાળકોને ન માત્ર ધમકાવવામાં આવતા હતા. પરંતુ તેમના ઉપર હાથ પણ ઉપાડવામાં આવતો હતો.
બાળકો સાથે અમાનવીય વ્યવહારના આ દૃશ્યો હાલ વાયરલ છે. અને તેમાં જોઈ શકાય છે તેમ આ બેબી સિટિંગ સેન્ટરમાં ખૂબ જ નાની ઉંમરના ભૂલકાંઓને રાખવામાં આવ્યા હતા. પણ, આખો દિવસ મા-બાપથી દૂર રહેતા આ બાળકોને હૂંફ આપવાને બદલે તેમની સાથે ક્રૂરતા આચરવામાં આવી રહી હતી.
જ્યાં હસવાના અને બાળકોની કાલી-ઘેલી ભાષાના અવાજો ગુંજવા જોઈતા હતા. ત્યાં સતત બાળકોના રડવાના અવાજો જ સંભળાઈ રહ્યા હતા. પણ, નવાઈની વાત તો એ હતી કે રડતા બાળકોને ચૂપ કરવા માટે પણ તેમને ધમકાવવામાં આવતા હતા ! આખરે આ સમગ્ર ઘટના સામે આવતા બાળકોના માતા-પિતાએ રામનગર પોલીસ સ્ટેશનમાં બેબી સિટિંગ ચલાવનાર દંપતી ગણેશ પ્રભુણે અને આરતી પ્રભુણે તેમજ રાધા નામની એક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.