ગુજરાતી-ભારતીય મૂળની શિવાની રાજાએ, યુકેની સંસદમા ભગવદ ગીતાની સાક્ષીએ શપથ લીધા, જુઓ વીડિયો

|

Jul 11, 2024 | 4:42 PM

યુકેમાં સંસદની જે બેઠક પર છેલ્લા 37 વર્ષથી લેબર પાર્ટીનો દબદબો હતો તે બેઠક લેસ્ટર ઈસ્ટ પર, કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી મૂળ ગુજરાતી એવી શિવાની રાજાએ ભવ્ય જીત મેળવી હતી. શિવાની રાજાએ યુકેના સાંસદ તરીકે શપથ લીધા તે ભગવદ ગીતાની સાક્ષીએ લીધા હતા. આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક વાયરલ થઈ રહ્યો છે. સાથોસાથ ભગવદ ગીતાની સાક્ષીએ શપથ લેવા બદલે શિવાની રાજાની પ્રશંસા પણ થઈ રહી છે.

ગુજરાતી-ભારતીય મૂળની શિવાની રાજા, લેસ્ટર ઈસ્ટ બેઠક પર 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી જીતનાર પ્રથમ સાંસદ બન્યા છે. લેસ્ટર ઈસ્ટ બેઠક પર છેલ્લા 37 વર્ષથી લેબર પાર્ટીનો દબદબો હતો. ગઈકાલે 10 જુલાઈના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમા શિવાનીએ યુકેની સંસદમાં પવિત્ર ભગવદ ગીતાની સાક્ષીએ પોતાની નિષ્ઠા અંગેના શપથ લીધા હતા.

આ ગુજરાતી મૂળના સાંસદે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવાનું સન્માન હતું, “ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે મારી નિષ્ઠાનો શપથ લેતાં મને ખરેખર ગર્વ હતો.”

શ્રીમતી શિવાની રાજાના શપથ ગ્રહણ સમારોહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ખુબ જ પ્રશંસા કરાઈ રહી છે. “ભગવદ ગીતા તમને શ્રેષ્ઠ શક્ય રીતે શાસન કરવા માટે પ્રબુદ્ધ કરે,” તેમ એક પ્રશંસકે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરેલા વીડિયો અંગે લખ્યું છે.

લેસ્ટર ઈસ્ટ બેઠક શિવાની રાજાની ભવ્ય જીતે, આ બેઠક પર છેલ્લા 37 વર્ષથી લેબર પાર્ટીની જે મજબૂત પકડ હતી તે તોડી નાખી છે. 29 વર્ષીય ગુજરાતી એવી શિવાની રાજાએ 14,526 મત મેળવ્યા હતા. શિવાનીએ લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા, જેને માત્ર 10,100 મત જ મળ્યા હતા. આ મતવિસ્તારમાં યુકેના ભૂતપૂર્વ સાંસદ ક્લાઉડ વેબે અને કીથ વાઝ સહિત ઘણા હાઈ પ્રોફાઈલ ધરાવતા ઉમેદવારો સાથે ખૂબ જ રસાકસીભરી હરીફાઈવાળી ચૂંટણી જોવા મળી હતી, જેઓ અપક્ષ તરીકે લડ્યા હતા.

Published On - 4:39 pm, Thu, 11 July 24

Next Video