હૈદરાબાદમાં અધિકારીની અનોખી ‘ગાંધીગીરી’, કચરો ફેંકનારાના પગ પકડીને શરમાવ્યા- જુઓ Video
ગંદકી દૂર કરવા માટે દંડ અને કાયદા ફેલ ગયા ત્યારે એક સરકારી અધિકારીએ એવો રસ્તો અપનાવ્યો કે કચરો ફેંકનારા શરમથી પાણી-પાણી થઈ ગયા. હૈદરાબાદના આ 'સ્વચ્છતા દૂત'ની અનોખી પહેલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સમાજને એક મોટો મનોવૈજ્ઞાનિક સંદેશ આપી રહી છે.
શહેરોમાં સ્વચ્છતા જાળવવી એ મોટો પડકાર છે, પણ હૈદરાબાદમાં એક અધિકારીએ તેને ઉકેલવા માટે ‘ગિલ્ટ ટ્રીપ’નો અનોખો પ્રયોગ કર્યો છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) ના સુપરવાઈઝર મહેન્દ્રએ ખુલ્લામાં કચરો ફેંકતા લોકોને રોકવા માટે દંડ ફટકારવાને બદલે તેમના પગ પકડીને વિનંતી કરવાનું શરૂ કર્યું છે.
મહેન્દ્ર અને તેમની ટીમ રોજ સફાઈ કરતી હતી, પરંતુ લોકો ફરી ત્યાં જ કચરો ફેંકી જતા હતા. આથી, મહેન્દ્રએ નક્કી કર્યું કે તેઓ સખ્તાઈને બદલે નમ્રતાથી કામ લેશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કચરો ફેંકવા આવતી, ત્યારે મહેન્દ્ર હાથ જોડીને તેમના પગમાં પડી જતા. એક જવાબદાર સરકારી અધિકારીને જાહેરમાં આ રીતે વિનંતી કરતા જોઈને લોકો શરમ અનુભવવા લાગ્યા.
આ અનોખી ‘ગાંધીગીરી’ની અસર એટલી પ્રચંડ થઈ છે કે તે વિસ્તારમાં ખુલ્લામાં કચરો ફેંકવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટના સાબિત કરે છે કે “સ્માર્ટ સિટી” માટે માત્ર સુવિધાઓ નહીં, પણ “સ્માર્ટ નાગરિકો” ની પણ જરૂર છે. મહેન્દ્રનો આ પ્રયાસ આજે સમગ્ર દેશ માટે સ્વચ્છતાનો નવો પાઠ બની ગયો છે.