રાજ્યના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરથી લડે તેવી ચર્ચા છે. ભાજપનુ શિર્ષ નેતૃ઼ત્વ સુરેન્દ્રનગરથી કુંવરજી બાવળિયાને લોકસભાની ટિકિટ આપી શકે છે. કોળી સમાજમાંથી આવતા કુંવરજી બાવળિયાનુ કોળી મતદારો પર સારુ પ્રભુત્વ છે. સુરેન્દ્રનગરમાં પણ કોળી મતદારોનુ પ્રભુત્વ હોવાથી કુંવરજી બાવળિયા ચૂંટણી લડે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જેની પાછળનું એક કારણ આજે ભાજપની 26 લોકસભા બેઠકોના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ચોટિલામાં ભાજપના કાર્યાલયનું કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.
જો કે અગાઉના નિર્ધારીત કાર્યક્રમ મુજબ વન અને પર્યટન મંત્રી ચોટિલામાં ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને એવી ચર્ચા વહેતી થઈ છે કે બાવળિયા સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.
આપને જણાવી દઈએ કે કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા જ તેમને મંત્રી પદ અપાયુ હતુ. જોકે એ બાદ તત્કાલિન મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેતા ભાજપે નો રિપિટ થિયરી અપનાવતા જુના એકપણ મંત્રીને કેબિનેટમાં સામેલ કર્યા ન હતા. બાવળિયાને પણ મંત્રીપદ ન મળતા એ સમયે તેમની નારાજગી પણ સામે આવી હતી.