Video: સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે – મોરારી બાપુ
મોરારી બાપુએ એક સ્થાનથી આપેલી માહિતીમાં તેમણે એવું કહ્યું કે, હું કોઇ પાર્ટી, પક્ષ અથવા મંડળ સાથે ક્યારેય જોડાયો નથી. સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વમાં એકલો ફર્યો છું.
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું માત્ર મારા ત્રિભુવન દાદાની પાઘડી, તેમણે આપેલી પોથી અને તેમણે આપેલી પાદુકા સાથે જ સંકળાયેલો છે. હું રામકથાનો નિચોડ એટલે કે સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વભરમાં એકલો ફરું છું. મારું કોઇની સાથે જોડાણ નથી.
હું કોઇ ગ્રૂપ, પાર્ટી કે મંડળ સાથે સંકળાયેલો નથી અને હંમેશા એકલો ફરું છું. મેં હંમેશાથી બધાની સાથે પ્રમાણિક અંતર રાખ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ (તલગાજરડા) હનુમાનજીનું સ્થાન છે અને અહીં કોઇપણ વ્યક્તિ આવી શકે છે. મારી વ્યાસપીઠ ઉપર બધાનો સ્વિકાર છે. સત્ય, પ્રેમ અને કરુણા ઉપર મારી પેટન્ટ નથી. કોઇપણ વ્યક્તિ આ સંદેશનો ઉપયોગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આજે શક્તિસિંહ ગોહિલ સાથે સોનલબેન પટેલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદીપભાઈ દવે, શ્રી પંકજભાઈ પટેલ તથા શ્રુતિબેને તલગાજરડા ખાતે મોરારીબાપુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બાપૂએ કહ્યું હતું કે, મને તેમના કાર્યક્રમ વિશે વિસ્તારપૂર્વક જાણકારી નથી. મારી વ્યાવસપીઢ અને તલગાજરડામાં દરેકનું સ્વાગત કરું છું.