Video: સુરેન્દ્રનગરમાં ખેડૂતોને કોર્ટના હુકમ બાદ વળતર ચુકવવામાં તંત્રના ઠાગા-ઠૈયા, ખેડૂતોએ જમીન સંપાદન કચેરીએ અદાલતનો જપ્તી ઓર્ડર બજવ્યો
Surendranagar: લખતર તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલ માટે આપેલી જમીનનું વળતર ચુકવવા મામલે કોર્ટે 2019માં આદેશ કર્યો હતો પરંતુ કોર્ટના હુકમનું પાલન કરવામાં ઠાગાઠૈયા કરતા અધિકારીએ સામે ખેડૂતોની રજૂઆત બાદ કોર્ટે લાલ આખ કરી છે અને જમીન સંપાદન કચેરીમાં જપ્તીનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં નર્મદા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. નર્મદા કેનાલના આગમન બાદ ખેડૂતોને અનેકગણો લાભ પહોંચ્યો છે. પરંતુ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સાકર ગામના ખેડૂતોને નર્મદા કેનાલના કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. નર્મદા કેનાલ માટે લખતર તાલુકાના સાકર ગામની જમીન સંપાદન કરવામાં આવી હતી. ખેડૂતોએ સારા પાણીની આશાએ પોતાની કિંમતી જમીન તંત્રને સોંપી પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીવડી. તંત્રએ જમીન સંપાદનનું નજીવું વળતર ચૂકવી ખેડૂતોને હાથ તાળી આપી. કિંમતી જમીનના સંપાદન બાદ પુરતુ વળતર નહીં મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
તો આ તરફ કોર્ટે ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઇને વર્ષ 2019માં ખેડૂતોના હક્કમાં ચુકાદો આપી તંત્રને પુરતુ વળતર ચુકવવા આદેશ કર્યો છે. પરંતુ હવે અધિકારીઓ કોર્ટના હુકમનું પાલન કરવામાં પણ ઠાગાઠૈયા કરી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ પણ તંત્ર ખેડૂતોને પુરતુ વળતર ચુકવતુ નથી. આખરે સમગ્ર મામલે ખેડૂતોએ કોર્ટને રજૂઆત કરતા કોર્ટે સુરેન્દ્રનગર જમીન સંપાદનની કચેરીમાં જપ્તીનો આદેશ કર્યો છે. ખેડૂતોએ જમીન સંપાદનની કચેરીએ પહોંચી જપ્તી ઓર્ડર બજાવતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
સાકર ગામના દરેક ખેડૂતોએ 2008માં જમીન કપાઈ હતી. જેમા નજીવા રકમના ચેક આપ્યા હતા જેમા ખેડૂતો કોર્ટમાં ગયા હતા. 2019માં કોર્ટે આદેશ આપી દીધો હોવા છતા આજ દિન સુધી વળતરનું ચુકવણુ કરવામાં આવ્યુ ન હતુ. જેમા કોર્ટે જપ્તી વોરંટ બજાવ્યુ છે. નર્મદા નિગમે પૈસા ન ચુકવતા કોર્ટ દ્નારા જપ્તી વોરંટની બજવણી કરવામાં આવી છે.
