Video: જામનગરમાં ફુટપાથ પર રહેતા લોકો માટે કરાઈ રેનબસેરાની વ્યવસ્થા, રહેવા જમવા સહિતની તમામ સગવડ ઉપલબ્ધ
Jamnagar: આકરી ઠંડીને ધ્યાને રાખી ફુટપાથ પર રહેતા લોકો માટે મનપા દ્વારા રેનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રહેવા, જમવા સહિતની તમામ સગવડ ઉપલબ્ધ છે. હાલ આ રેનબસેરામાં 40 લોકો આશ્રય લઈ રહ્યા છે.
જામનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલા રેન બસેરા આકરી ઠંડીમાં લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. બેડેશ્વરમાં 1 કરોડ 61 લાખના ખર્ચે તૈયાર થયેલા હાઈટેક રેન બસેરામાં મહિલા અને પુરૂષના અલગ ટોઈલેટ, બાથરૂમ છે તો નહાવા માટે ગરમ પાણી, સીસીટીવી કેમેરા અને 24 કલાક સુરક્ષાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રેનબસેરામાં જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજન પણ પુરૂ પાડવામાં આવે છે.
જામનગરના વહીવટી તંત્રએ શરૂ કરેલા રેન બસેરામાં 40 લોકો હાલમાં વસવાટ કરી રહ્યા છે. અહીં વધુ જગ્યા ઉપલબ્ધ છે. જેથી તંત્રએ આકરી ઠંડીમાં ખુલ્લામાં રહેતા લોકોને રેન બસેરામાં રહેવા આવવા અપીલ કરી. ફૂટપાથ પર રહેતા લોકો વધુ સંખ્યામાં રેન બસેરામાં આવે તે માટે સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Video : જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મ દિનની ઉજવણી સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર અશોક જોષીના જણાવ્યા મુજબ આકરી ઠંડીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે જામનગર મહાનગરપાલિકા દ્વારા બેડી ઓવરબ્રિજ પાસે નવુ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યુ છે. તેમાં પણ 20 લોકો આશ્રય લઈ રહ્યા છે. આ જ રીતે હાપા વિસ્તારમાં પણ 40 લોકો નિયમિત આશ્રય લઈ રહ્યા છે. આ બંને શેલ્ટર હોમમાં રહેવાની, જમવાની, ન્હાવા માટે ગરમ પાણી સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જામનગરમાં વેદેશ્વર ખાતે 1.61 કરોડના ખર્ચે રેનબસેરા તૈયાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે આકરી ઠંડી વચ્ચે ફુટપાથ પર રહેતા લોકો મોટા પ્રમાણમાં રેનબસેરા ખાતે પહોંચે અને તેની સુવિધાનો લાભ લે.