Chhota Udepur: ગુજરાતમાં વિકાસની વાતો તો ઘણી મોટી મોટી થાય છે પરંતુ આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોની સ્થિતિ અત્યંત દયનિય છે. એક તરફ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ પરંતુ અનેક ગામો એવા છે જ્યાં પાયાની કહી શકાય તેવી રોડ-રસ્તા પાણીની સુવિધા પણ પહોંચી નથી. દર ચૂંટણી સમયે વચનોની લ્હાણી કરી જતા કહેવાતા નેતાઓ અહીં ફરક્તા સુદ્ધા નથી.
વાત છે છોટા ઉદેપુરના પાવીજેતપુરના અમાદ્રા ગામની. જ્યાં રસ્તાની સુવિધા જ નથી. ગામથી મુખ્ય રોડ સુધી પહોંચવા માટે રસ્તો જ નથી. ગર્ભવતી મહિલાને ખાટલામાં ઉંચકીને કોતરોમાંથી પસાર થઇને ભારે જહેમત બાદ પ્રસૂતાને મુખ્ય રોડ સુધી પરિવારજનો લાવ્યા. પરંતુ મુશ્કેલી આટલેથી ન અટકી. અહીંથી 10 કિમી દૂર આવેલા કદવાલ ગામે ગાયનેક ન હોવાથી પ્રસૂતાને 108 મારફતે ઘોઘંબા લઇ જવાઇ. હજુ બે દિવસ પહેલા પણ નનામીને સ્મશાન સુધી પહોંચાડવા લોકોએ ખેતરોમાંથી પસાર થવું પડ્યું હતું. પાવીજેતપુરના લોકો વર્ષોથી પાકા રોડ બનાવવાની વાત કરે છે. પરંતુ તંત્ર આપે છે તો ફક્ત ઠાલા આશ્વાસનો.
આ પણ વાંચો: Vadodara: સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોના પાકને જીવતદાન મળશે તેવી આશા- Video
અંતરિયાળ એવા અમાદ્રા ગામમાં વર્ષોથી રસ્તાની સુવિધા નથી પરંતુ આ લોકોની સમસ્યાની કોઈને નથી પડી. વિકાસ મોડલ ગણાતા ગુજરાતના અંતરિયાળ ગામોની વાસ્તવિક્તાના આ દૃશ્યો છે. પાકો રોડ ન હોવાથી વર્ષોથી ગામલોકો પારાવાર હાલાકી સહન કરે છે પરંતુ તેમની ગામલોકોની સમસ્યાની ના તો તંત્રને કઈ પડી છે ના તો કહેવાતા નેતાઓને. ત્યારે તંત્ર પ્રસૂતાની વેદના સમજી સંવેદના દાખવી પાકા રોડ બનાવે તેવી ગ્રામજનોની માગ છે.
Input Credit- Makbul Mansuri- Chhota Udepur
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:15 pm, Thu, 7 September 23