Video: કડી તાલુકાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો, અધિકારીઓને જાણ કરવા છતા ફરક્યા સુદ્ધા નહીં

|

Jan 13, 2023 | 11:56 PM

મહેસાણાના કડી તાલુકાના કરશનપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફુટનું ગાબડુ પડતા ખેતરોમાં રહેલો ખેડૂતોનો પાક પલળી ગયો હતો. ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને ફોન કરીને જાણ કરવા છતા અધિકારીઓ ફરક્યા સુદ્ધા ન હતા. પાક પલળી જતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને મોટા પાયે નુક્સાન થયું છે. ઘટના કડીના કરશનપુરા ગામ પાસેની છે. જ્યાં અગોલ તરફ જતી નર્મદાન કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં 50 વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. 10થી વધુ ખેડૂતોના ઊભા પાકને નુક્સાન થયું છે. ખેડૂતોએ વાવેલું જીરૂ, અજમો, ઘઉં સહિતના પાકને નુક્સાન થયું છે. જો સમયસર કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત.

કેનાલના પાણી ખેતરમાં જીરુ, અજમો અને ઘઉંના પાકમાં ફરી વળ્યા

કડી તાલુકાના કરણનગર વાય જંકશનમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાંથી અગોલ તરફ જતી માઈનોર કેનાલ કરસનપુરા ગામ થઈને જાય છે. જે દરમિયાન મધરાત્રીએ અચાનક જ માઈનોર કેનાલમાં 10 ફૂટથી પણ મોટું ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા કરસનપુરા ગામના 10થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતરમાં વાવેલ જીરું, અજમો, ઘઉં તેમજ પશુપાલકનો ઘાસચારો પલળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.

ખેડૂતોએ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લેવા પણ આવ્યા ન હતા. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવા છતા ફરક્યુ સુદ્ધા નહીં

ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા વિભાગના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી હતી, પરંતુ કોઈ અધિકારીઓ આવ્યા નથી. બીજા એક ખેડૂતે જણાવ્યું કે અમારા ગામની અંદર કેનાલમાં ગાબડું પડ્યું છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ અધિકારીઓ 20 કલાક થઈ ગયા પણ કોઈ આવ્યું નથી.

Next Video