Video: ખેડામાં રાત્રે લાઇટ મળતા ખેડૂતો પરેશાન, અચાનક લાઇટ આવતા ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા

|

Jan 13, 2023 | 11:38 PM

Video: ખેડાના ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. વીજકંપની દ્વારા ખેડૂતોને દિવસના બદલે રાત્રે વીજળી અપાતા ખેડૂતોની પરેશાની વધી છે. રાત્રે અચાનક વીજળી આપતા ખેડૂતોના ખેતરોમં પાણી ફરી વળ્યા છે.

ચરોતરમાં ખેડૂતોને કોઈ પરેશાન કરતું હોય તો એ છે વીજ કંપનીઓ. એક તો દિવસે વીજળી આપતી નથી અને રાત્રે પણ અચાનક એવી રીતે વીજળી આપી કે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા અને પાકને થઈ ગયું નુકસાન. હવે એની જવાબદારી કોણ લેશે, એ એક મોટો સવાલ છે. ચરોતરના ખેડૂતોની આ કહાણી છે. અહીં દિવસના બદલે રાત્રે વીજળી મળતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી છે. દિવસે વીજળી આપવાની માગ સાથે ચરોતરના ધરતી પુત્રો રસ્તા પર ઉતર્યા છે.

ખેડૂતોનો આરોપ છે સરકારે મોટા ઉપાડે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ હકીકત કંઇક અલગ છે. ચરોતર વિસ્તારમાં અચાનક વીજ કંપનીઓએ જાણ કર્યા વિના દિવસે વીજળી આપવાનું બંધ કર્યું છે. જેને લઇ રાતના સમયે વસોના ઘણા ખેતરોમાં ઓટોમેટીક વીજ પુરવઠો ચાલુ થઇ ગયો હતો અને ખેતરોમાં ટયુબવેલના પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન થયું છે.

જો સરકારી કચેરી અને બધા અધિકારીના કામ રાત્રે થતાં હોય તો જગતના તાત સાથે કેમ અન્યાય, કેમ ધરતીપુત્રોને ખેતી માટે દિવસે વીજળી નથી આપવામાં આવતી ? તેવા સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યાં છે.

તો બીજી તરફ MGVCLના કાર્યપાલકનું કહેવું છે કે દિવસે વીજ પુરવઠાની અછતને પગલે થોડા સમયે માટે રાત્રે વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે..ટુંક સમયમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાણ કરવામાં આવશે. હવે આ આશ્વાસનને કરવાનું શું એવું ખેડૂતો પૂછી રહ્યા છે કેમકે જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું અને જે મુશ્કેલી છે એનો પણ ઉકેલ ક્યારે આવશે એ નક્કી નથી.

Next Video