Ambaji Temple : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળને બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાના નિર્ણયનો વિવાદ હવે વકર્યો છે. દાંતાના રાજવી પરિવારે ચીમકી આપી છે કે અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે ફરી મોહનથાળ શરૂ નહીં થાય તો અમે હાઈકોર્ટ સુધી જઈશુ. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે આગામી સમયમાં જલદ આંદોલન કરવાની તૈયારી બતાવી છે. તો આ સાથે જ હવે સંત સમાજ પણ પ્રસાદી મુદે મેદાનમાં આવ્યુ છે. તો એક સમયે ચિક્કીના પ્રસાદના વખાણ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ તેમના નિવેદનને લઈ ફેરવી તોળ્યુ છે.
મંદિરના મુખ્ય પૂજારીએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જી હા સમગ્ર વિવાદને લઈને અંબાજી ગાદી ટ્રસ્ટ સાથે વાતચીત કરતા તેઓએ સરકારના નિર્ણય સાથે હામી ભરી છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યુ કે મોહનથાળ બંધ કરવાથી કોઈ પણ પરંપરા તૂટી નથી.
તો વધુમાં જણાવ્યુ હતુ કે, 1960માં અંબાજી મંદિર સરકાર હસ્તક આવ્યુ,ત્યારથી અમારો પરિવાર અહિં પૂજા અર્ચના અને સેવા કરે છે.અઠવાડિયામાં 7 દિવસ દરમિયાન જુદા -જુદા પ્રસાદ ધરાવવામાં આવે છે.પહેલા સીમિત ભક્તો આવતા હતા અને ભક્તો આવે તેને ભેટ સ્વરૂપે ચૂંદડી આપવામાં આવતી હતી. સમય જતાં અંદાજે 1984ની આસપાસ સરકારે નિર્ણય બદલ્યો અને લોકોના ધસારાને જોઈને ત્યારથી મોહનથાળ ભેટ સ્વરૂપે આપવાનું ચાલુ કર્યું.દર્શનાર્થી અહિં આવે અને જે ભેટ લખાવે તેને મોહનથાળ આપવામાં આવતો.
તો સાથે જ જણાવ્યું કે મોહનથાળ મીઠાઈ તરીકે ઉપયોગ થતો હતો.પ્રસાદ તો રાજભોગમાં ધરાવવામાં આવે તેને જ માનવામાં આવે છે. એટલે સરકારના નિર્ણયથી માતાજીની પરંપરામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોવાનો ગાદીપતિનો દાવો છે.
Published On - 7:47 am, Mon, 13 March 23