વડોદરામાં જનસેવા કેન્દ્ર બહાર અડીંગો જમાવતા એજન્ટ સામે તંત્રએ સપાટો બોલાવ્યો. રેશન કાર્ડ, વિધવા પેન્શન સહિતના કામ કરાવવા આવતા લોકો પાસેથી આવા એજન્ટ રૂપિયા પડાવતા હતા. જનસેવા કેન્દ્રના મેનેજર અને કર્મચારીઓએ જાણ થતા જ વોચ ગોઠવી પોલીસને બોલાવી એજન્ટોને ઝડપી પાડ્યા. રાવપુરા પોલીસે એક મહિલા સહિત 7 એજન્ટ સામે કડક કાર્યવાહી કરી છે.
જનસેવા કેન્દ્ર બહાર આવા લેભાગુ એજન્ટ પેન્શન માટે આવતી વિધવા મહિલાઓ કે રેશનકાર્ડ માટે આવતા અરજદારોને તેમનુ કામ જલદી કરાવી આપવાની લાલચ આપી રૂપિયા પડાવતા હોય છે. જેનસેવા કેન્દ્રને આ અંગે અનેકવાર ફરિયાદો મળતી રહે છે. જેના પર પગલા લેતા જનસેવા કેન્દ્રના કર્મચારીઓએ છુપી વોચ ગોઠવી લેભાગુ એજન્ટોને ઝડપી લીધા હતા. જનસહાય કેન્દ્રમાં કામ અર્થે આવનારા ચર્ચા કરી રહ્યાં છે કે, આ માત્ર સાત એજન્ટ હોય તેવુ માનવાની ભૂલ કરવા જેવી નથી. આવા અનેક એજન્ટો ફરતા જ હોય છે. જે ભોળા અરજદારોને કામ કરાવી આપવાના બહાને કે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્ત કરાવવાના નામે પૈસા પડાવતા રહે છે. જેના પર લગામ કસાય તે જરૂરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો