Vadodara : 100 કરોડની જમીન પચાવી પાડવાનો કેસ, આરોપી સંજયસિંહના બે બેંક ખાતામાંથી દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

|

Jan 24, 2023 | 2:30 PM

ક્રાઈમ બ્રાંચે (Crime Branch) કલેક્ટરના ટેનન્સી હુકમ, બીનખેતી હુકમ, રજાચિઠ્ઠી, સહિતના બોગસ દસ્તાવેજની તપાસના આધારે આરોપી સંજયસિંહ પરમારના14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ત્યારે કોર્ટે 5 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદે બાંધકામ કરનારા ભૂ-માફિયા સામે તપાસનો ધમધમાટ તેજ થયો છે. લેન્ડ ગ્રેબિંગના આરોપી સંજયસિંહ પરમાર, અને લક્ષ્મી પરમારના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે સંજયસિંહના બે બેંક ખાતામાંથી દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. સંજયસિંહે 52 સબપ્લોટ પાડીને દસ્તાવેજો કર્યાનો ખુલાસો થયો છે.

ક્રાઈમ બ્રાંચે કલેક્ટરના ટેનન્સી હુકમ, બીનખેતી હુકમ, રજાચિઠ્ઠી, સહિતના બોગસ દસ્તાવેજની તપાસના આધારે આરોપી સંજયસિંહ પરમારના14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ત્યારે કોર્ટે 5 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તપાસમાં સંજયસિંહના ટ્રાન્જેક્શન અંગે જાણવા અને રોકડ વ્યવહારોનો તાળો મેળવવા 27 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. જમીનના દસ્તાવેજો કરનાર શાંતા નામની મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પરના વ્હાઇટ હાઉસનું દબાણ તોડવા તંત્રની તૈયારી ચાલી રહી છે.

જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સંજયસિંહ પરમારે સરકારી જમીન પર કબ્જો જમાવીને 53 પ્લોટ પર 27 મકાન બનાવી દીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં રાજકીય મોટા માથા અને સરકારી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવે તેવી શકયતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. સરકારી જમીન પચાવી પાડનારા સંજયસિંહ સામે ભૂતકાળમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજનો ગુનો નોંધાયેલો છે.

દંતેશ્વરની જમીનના દબાણ અંગે કલેક્ટરને ઉગ્ર રજૂઆત

આપને જણાવી દઈએ કે, વડોદરામાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં શહેર અને જિલ્લાના પ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. મેયર કેયુર રોકડીયાએ દંતેશ્વરની જમીનના દબાણ અંગે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ આંખોલ-ખટામ્બા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે ડભોઇની આદિવાસી વસાહતોમાં સુવિધાઓ ઉભી કરવા માગ કરી હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે એસટીના બંધ રૂટ પુનઃ શરૂ કરવા અને ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોને સત્વરે પ્રશ્નોનો નિકાલ લાવવા સૂચના આપી હતી.

Published On - 2:20 pm, Tue, 24 January 23

Next Video