જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છો. તો તમારી લિફટના મેન્ટેનશ વિશે એક વખત જાણી લેજો.સર્વિસ કેટલા સમયે કરાવવામાં આવે છે આ બધી વાત તમને જાણ હોવી જરુરી છે. કારણ કે, વલસાડમાં ઉપરા-ઉપરી એવી ઘટનાઓ સામે આવી છે કે, જેનાથી હવે લોકો લિફ્ટમાં જતા પણ ડરી રહ્યા છે. 2 જ દિવસમાં વલસાડમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ સામે આવ્યા છે. જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.
5 વર્ષ પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા આ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. વલસાડના સરદાર હાઈટ્સ સોસાયટીમાં એક ગંભીર ઘટના બની છે.વલસાડમાં ફરીથી લીફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે. તિથલ રોડ પર સરદાર હાઈટ્સ સોસાયટીમાં દુર્ઘટના બની છે. સરદાર હાઈટ્સમાં આવેલી સરસ્વતી વીંગમાં બે બાળકીઓ ફસાઈ હતી.
લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો અને બહારનો દરવાજો ન ખુલતા બાળકીઓ ફસાઈ હતી. સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક પહોંચી લિફ્ટમાંથી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી.લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે રહીશોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા એક વ્યક્તિનું લિફ્ટમાં મોત થતાં બચ્યુ હતુ. સાબરમતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં બેસવા જતા હતા ત્યારે જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકી હતી. ધડાકાભેર લિફ્ટ પટકાવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી હતી. જે વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો તેનો ચમત્કારિક રીતે આ ભયાનક દુર્ઘટનામાં બચાવ થયો હતો. જો કે આધેડને આ દુર્ઘટનામાં ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા છે. જોકે આ અકસ્માતને પગલે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
Published On - 12:48 pm, Thu, 5 March 26