સુરતમાં છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી થઈ રહી છે. મેટ્રો તો જ્યારે બને ત્યારે પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી આ કામગીરીને કારણે વેપારીઓને ભારે આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. સુરતના ભાગળમાં મેટ્રોની કામગીરીને કારણે અનેક વેપારીઓની દુકાન આગળ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે. દિવાળી સમયે જ્યારે સિઝન લેવાનો ટાઈમ હોય છે ત્યારે જ મેટ્રોની કામગીરીને કારણે વેપારીઓને ધંધો કરવામાં મુશ્કેલી પડી રહી છે.
મેટ્રોની કામગીરીને કારણે અસરગ્રસ્ત વેપારીઓને વળતર આપવાનો કરાર થયો હતો. જો કે કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ વળતર આપવાનું બંધ કર્યુ હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે. આ અંગે વારંવારની રજૂઆત છતા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. હાલ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓમાં રોષ છે. મોટી સંખ્યામાં આ તમામ વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ અગાઉ પણ વેપારીઓએ વળતર મુદ્દે વેપારીઓએ મોરચો માંડ્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરી હતી. મેટ્રોની ધીમી ગતિની કામગીરી અને વળતર ન મળતા વેપારીઓને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે.સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. હવે જો વેપારીઓને વળતર નહીં મળે તો દિવાળી પહેલા વેપારીઓની સ્થિતિ ખરાબ થઇ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો