આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા માટે, નારાયણ સાંઈને હાઈકોર્ટે આપ્યા જામીન, હવાઈ માર્ગે સુરતથી જોધપુર જશે

|

Oct 18, 2024 | 7:04 PM

Narayan Sai Bail : નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની મુલાકાત દરમિયાન માતા અને બહેનને નહીં મળવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. છેલ્લા 11 વર્ષથી પિતા આસારામ સાથે મુલાકાત ના કરી હોવાથી, તેમજ આસારામની તબિયત સારી ના હોવાથી હાઈકોર્ટે માનવતાના ધોરણે જામીન અરજી મંજૂર કરી છે.

સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં કેદ નારાયણ સાંઈને, પિતા આસારામ સાથે જોધપુર જેલમાં મુલાકાત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં છે. નારાયણ સાંઈને પોલીસ જાપ્તા હેઠળ સુરતથી જોધપુર ખાતે લઈ જવાશે. હાલમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે. જોધપુર જેલમાં પિતા આસારામ સાથે 4 કલાકની મુલાકાત દરમિયાન અન્ય કોઈને ત્યાં હાજર ના રહેવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે.

નારાયણ સાંઈ દ્વારા સુરતના સચિન પોલિસ સ્ટેશનમાં સુરતથી જોધપુર જવા અને આવવાના ખર્ચ પેટે 5 લાખની રકમ જમા કરાવવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ રકમ જમા થયા બાદ, રાજ્ય સરકાર દ્વારા નારાયણ સાઈને લઈ જવા અને પરત લાવવા માટેનો નિર્ણય કરાશે. જો કે નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ સુરતની લાજપોર જેલથી જોધપુરની સેન્ટ્રલ જેલ સુધી લઈ જવાશે અને તે જ રીતે તેને પાછો લવાશે. નારાયણ સાંઈને લઈ જવા અને લાવવા માટે 1 એસીપી, 1 પોલીસ ઈન્સ્પેકટર, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલનો જાપ્તો રાખવામાં આવશે.

નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની મુલાકાત દરમિયાન માતા અને બહેનને નહીં મળવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. છેલ્લા 11 વર્ષથી પિતા આસારામ સાથે મુલાકાત ના કરી હોવાથી, તેમજ આસારામની તબિયત સારી ના હોવાથી હાઈકોર્ટે માનવતાના ધોરણે જામીન અરજી મંજૂર કરી છે. જોધપુર જેલમાં પિતા આસારામ સાથેની મુલાકાત બાદ પરત લાજપોર જેલ લાવ્યા બાદનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

Next Video