અમદાવાદના ચાંગોદરમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની ફેક્ટરીને સીલ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમ દ્વારા ખંભાળીયા નજીકથી એક ટેમ્પોમાંથી આયુર્વેદીક સીરપની 4 હજાર બોટલનો જથ્થો ઝડપ્યો હતો. જેની તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાનો એક આરોપી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતો હતો. ખોટા જીએસટી નંબરના દસ્તાવેજો તૈયાર કરીને આ સીરપનો જથ્થો રાજ્યના અનેક જિલ્લાઓમાં પહોંચાડવામાં આવતો હતો.
દેવભૂમિ દ્વારકાના એસપીએ મીડિયા સમક્ષ સમગ્ર વિગતો જાહેર કરતા બતાવ્યુ હતુ કે, આ એક સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ સીરપ છે અને જેને અમદાવાદ નજીકના ચાંગોદરમાં બનાવવામાં આવતી હતી. પોલીસે વધુ આ પ્રકારનો જથ્થો ચાંગોદરથી ઝડપ્યો છે અને ફેક્ટરીને સીલ કરી છે. ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઈને તેમને કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
Published On - 9:12 pm, Sun, 6 August 23