અમદાવાદમાં કોરોનાના કેસ (Corona case) સતત વધી રહ્યા છે તો બીજી બાજુ ત્રીજી લહેરનું જોખમ પણ જોવા મળી રહ્યું છે. ઓમિક્રોન (Omicron)ના પણ કેસ સતત વધી રહ્યા છે. ત્યારે એમ.ડી. ફિઝિશીયન અને આહના કમિટી (Ahna Committee)ના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે તેવી શક્યતા દર્શાવી છે.
એમ.ડી. ફિઝિશીયન અને આહના કમિટીના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે ટીવી9 સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે કોરોનાની ત્રીજી લહેરની પીક 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આવી શકે છે. આ સમય દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ 5 લાખ જેટલા કેસ આવવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં 25 હજારથી 50 હજાર સુધી કેસ જઈ શકે છે.
હાલ દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે. આ બાબતે ડોક્ટર જીતેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી હતી કે 15થી 18 વર્ષના કિશોરો 20 ટકા જેટલુ સંક્રમણ ફેલાવતા હોવાનું સર્વેમાં તારણ નીકળ્યુ છે. જ્યારે 15થી ઓછી વર્ષના બાળકો ઓછુ સંક્રમણ ફેલાવે છે. તેથી પહેલા 15થી વધુ વયના બાળકોને પહેલા રસી આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
આ તરફ કોરોનાકાળમાં બૂસ્ટર ડૉઝની પણ ચર્ચા થઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકો તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડૉઝ અપાઈ રહ્યો છે. તે અંગે તેમણે જણાવ્યુ કે બૂસ્ટર ડોઝ હશે તો કોરોના નહીં થાય એવુ નથી. પરંતુ હોસ્પિટલ, વેન્ટિલેટરની જરુરિયાત ઓછી ઊભી થશે અને મૃત્યુની ટકાવારી પણ ઓછી રહેશે.
આહના કમિટીના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે કોરોનાકાળમાં બાળકોને સાચવવાની ખુબ જ જરૂર છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું હંમેશા પાલન કરવુ જોઈએ. ભીડમાં પણ જવાનું ટાળવુ જોઈએ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 5677 કેસ, ઓમીક્રોનના 32 નવા કેસ
આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી