નવી સરકારની જનતાને પહેલી ભેટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વૈષ્ણૌદેવી અંડરપાસનું કર્યુ લોકાર્પણ
Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની બીજી ઈનિંગની શરૂઆત સાથે જ વૈષ્ણૌદેવી અંડર પાસનું લોકાર્પણ કરી જનતાને પહેલી ભેટ આપી છે. આ અંડર પાસને જનતા માટે ખુલ્લો મુકાતા હવે એસ.પી. રિંગ રોડ પરનું ટ્રાફિકનું ભારણ હળવુ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજીવાર સીએમ બન્યા બાદ ફરી એક્શનમાં આવી ગયા છે. નવી સરકારે નવા કાર્યોની શરૂઆત પણ કરી દીધી છે. મંત્રીમંડળે ચાર્જ સંભાળતા જ ચૂંટણી પહેલા બાકી રહેલા કામોને આગળ વધારવા માટે કામગીરી આરંભી દીધી છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈષ્ણૌદેવી સર્કલ પાસેના અંડરપાસનું લોકાર્પણ કર્યુ હતુ. આ અંડરબ્રિજને ખુલ્લો મુકવામાં આવતા હવે લોકો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંડરબ્રિજના કારણે સરળ અને ટ્રાફિક ફ્રી એસ.જી. હાઈવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે વિકાસની રાજનીતિથી જ ચૂંટણીઓ જીતી શકાય એવી પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, વડાપ્રધાને છેવાડાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસની નેમથી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની જે નેમ રાખી છે તેમાં વિકસીત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લેવાની છે.
40.36 કરોડના ખર્ચે વૈષ્ણૌદેવી અંડરપાસનું નિર્માણ
આ પ્રસંગે ઔડાના ચેરમેન એમ થેન્નારસને જણાવ્યુ હતુ કે આ અંડરપાસનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયુ છે. તેની લંબાઈ 720 મીટર અને પહોળાઈ 23 મીટર છે. અંડરપાસની આર.સી.સી. દીવાલ 536 મીટરની લંબાઈ ધરાવે છે. જ્યારે આર.સી.સી બોક્સની લંબાઈ 70 મીટર છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, મણીનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત શહેરની તમામ વિધાનસભા બેઠકોના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને રજની પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી. દેસાઈ, AUDA અને AMCના સભ્યો-અધિકારીઓ – પદાધિકારીઓ, સરદારધામના સંચાલકગણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
ઈનપુટ ક્રેડિટ- દિવ્યાંગ ભાવસાર