સરકારની ઈચ્છા તો છે કે છેવાડાના અને અંતરિયાળ ગામો સુધી શિક્ષણ પહોંચે અને બાળકો ભણી ગણીને આગળ વધે, પરંતુ સરકારી તંત્રમાં રહેલા અધિકારીઓને એમાં બિલકુલ રસ ન હોય તેવુ લાગી રહ્યુ છે કારણ કે તાપી જીલ્લાની એવી અનેક શાળાઓ છે. જેમાં બાળકો આ શિયાળામાં પણ મકાન વગર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે.
તાપીના સોનગઢમાં દેવલપાડા ગામે જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળામાં 1 વર્ષથી નવા ઓરડા ન બનતા ગરીબ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ લઈ રહ્યા છે. શિક્ષકો ઝાડ નીચે બેસાડી ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર બન્યા છે. શાળાના મુખ્ય શિક્ષકે DEOને વારંવાર રજૂઆત કરી છતાં સમસ્યા ઠેરની ઠેર છે.
એક તરફ સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ આપવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે છેલ્લા એક વર્ષથી શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે અને નવા એક વર્ષ બાદ પણ બન્યા નથી. છેલ્લા એક વર્ષથી આ જ સ્થિતિ છે. શિક્ષકો પણ અવારનવાર રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ બહેરા તંત્રના કાને શિક્ષકોની રજૂઆતોની પણ કોઈ અસર થતી નથી.
કોઈપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મુકે છે. પરંતુ અધિકારીઓની નિષ્ક્રિયતાને પાપે અહીં છેવાડા સુધી આ યોજના પહોંચતી જ નથી. શાળાનું મકાન જર્જરિત થઈ જતા તેને બેએક વર્ષ પહેલાં જમીનદોસ્ત કરી દેવાયુ પણ નવું મકાન બનવાનું જાણે સરકારી બાબુઓ ભૂલી જ ગયા છે. આથી ભૂલકા માસૂમ બાળકોને ખુલ્લા આકાશ નીચે બેસી શિક્ષણ લેવુ પડે છે. જો કે ચોમાસાની ઋતુમાં આ બાળકો કઈ રહી તે ભણતા હશે તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી.
મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ શું એ ગ્રાન્ટનો યોગ્ય અને થવો જોઈએ તેવો કેટલોક થાય છે તે આ એક વર્ષથી જમીનદોસ્ત થયેલી શાળાને જોઈને દેખાઈ આવે છે.
ઈનપુટ ક્રેડિટ- નીરવ કંસારા- તાપી