વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હોક MK 132 વિમાનો સાથે એર શો યોજાયો હતો. ઇન્ડિયન એરફોર્સનાં 9 હોક વિમાનો દ્વારા હવામાં અદભુત કરતબ બતાવવામાં આવ્યાં. એરફોર્સના જવાનોએ અદભુત આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા. લોકોએ પણ બૂમો પાડી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કર્યા. તિરંગા કલર થીમ પર એરફોર્ટના MK 132 વિમાનોએ એન્ટ્રી કરી હતી.
ભારતીય વાયુસેનાના એર શૉ પૂર્વે લોકોની ભારે ભીડ શહેરના નેશનલ હાઇવે 48 સામે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ઊમટી પડી હતી. એર શો શરૂ થાય તે પહેલાં જ શહેરના આજવાથી ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. બીજી તરફ એર શો નિહાળવા માટે ગ્રાઉન્ડમાં જગ્યા ન રહેતા લોકો હાઈ-વેની પાસે પણ ઊભા રહી ગયા હતા, જેને લઇ ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ એર શો આસપાસના 20 કિમીના વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેને લઈને લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો અને વીડિયો-તસવીરો લીધી હતી.
Input Credit- Anjali Ojha- Vadodara