રાજ્યમાં શિયાળા દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘણા ખેડૂતોને નુક્સાન પણ થયું છે. જો કે કૃષિ વિભાગને સોંપાયેલા સર્વે રિપોર્ટે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સર્વે કરનારી ટીમે જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં ખેડૂતોને કોઈ પ્રકારનું નુક્સાન ન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટમાં ખેડૂતને નુક્સાનીનો ઉલ્લેખ ન હોવાના કારણે હવે ખેડૂતોને સહાય મળશે નહીં. જેના કારણે ખેડૂતોમાં નિરાશા ફેલાઇ છે.
રાજ્યમાં કેટલાક દિવસ પહેલા 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સરેરાશ સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને પગલે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ સર્વે કરીને સહાય ચૂકવવાની માગ કરી હતી. જે બાદ હરકતમાં આવેલા કૃષિ વિભાગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સરવેની કામગીરી પૂર્ણ થઈ. તેનો રિપોર્ટ સામે આવતા નુક્સાની ભોગવનારા ખેડૂતોને આંચકો લાગ્યો છે.
ઘણા ખેડૂતોએ મોંઘા બિયારણ, ડીઝલના ખર્ચા, ખેડૂત મજૂરીની ચૂકવણી સહિત અન્ય ખર્ચા કરીને મહામહેનતે પાક તૈયાર કર્યો હતો. જેના પર પાણી ફરી વળ્યુ છે. ખેડૂતને આશા હતી કે સરકાર સહાય ચૂકવશે, પરંતુ આ આશા પણ હવે ઠગારી નીકળી છે. સર્વે રિપોર્ટમાં નુક્સાનીનો ઉલ્લેખ ન હોવાથી હવે ખેડૂતોને સહાય પણ નહીં ચૂકવાય.
તો બીજીતરફ કોંગ્રેસે સરકારની નિયત પર સવાલ ઉઠાવ્યો છે. કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોને સહાય આપવાની સરકારની દાનત નથી. અગાઉના વર્ષોમાં પણ સરકારે ખેડૂતોને પાક નુક્સાનની કોઈ સહાય આપી નથી.
Published On - 12:40 pm, Wed, 8 February 23