Surat: પતિ-પત્નીના ઝઘડામાં નિર્દોષ બાળકની ઉઠાંતરી, પિતાના કારનામાની સાક્ષી બની દીકરી, જાણો સમગ્ર ઘટના

Surat: પતિ-પત્નીના ઝઘડામાં નિર્દોષ બાળકની ઉઠાંતરી, પિતાના કારનામાની સાક્ષી બની દીકરી, જાણો સમગ્ર ઘટના

| Edited By: | Updated on: Jan 05, 2023 | 9:10 AM

સમગ્ર ઘટનાને લઈ માતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  તો બીજી તરફ કડોદરા પોલીસે બાળકના પિતા રિયાઝ શાહની કલમ 151 મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી

દંપતિ વચ્ચેના ઝઘડા અને અણબનાવોમાં તેના બાળકો હંમેશાં પિસાતા રહે છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે સુરતના પલસાણા તાલુકાના હરિપુરા વિસ્તારમાં કે જ્યાં સગા પિતાએ જ પોતાના પુત્રને બળજબરીપૂર્વક ઉઠાવી જવાની ઘટના સામે આવી છે.  આ અંગે પીડિત માતાએ  પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે અણબનાવ ચાલતા હતા. જેના લીધે પત્ની બે બાળકો સાથે રિસામણે પોતાના માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. એવામાં બંને બાળકો સવારના સમયે મદરેસામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બાળકોના પિતા કાર લઈને આવ્યા હતા અને દીકરા-દીકરી સાથે વાત કરી હતી. પિતાએ દીકરાને સમજાવી તેડી લીધો હતો. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે પિતા બાળકને લઇને જઈ રહ્યો છે ત્યારે કેટલીક મહિલાઓ  પણ પાછળ આવતી હોય છે તો અન્ય એક સીસીટીવીમાં જોવા મળે છે કે બાળક પિતા સાથે જવા આનાકાની કરી રહ્યો છે.

દીકરીએ માતાને કરી સમગ્ર ઘટનાની જાણ

પિતા ભાઇને લઈ જતા રહ્પા તેથી દીકરી થોડી ગભરાઈ  ગઈ હતી  પરંતુ દીકરી ત્યાંથી ભાગી ગઈ અને  પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ દરમિયાન પુત્રને તેના પિતા બળજબરી પૂર્વક કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. માતાને આ અંગે જાણ થતા તે કાર પાછળ દોડી હતી. પરંતુ બાળકના પિતા તેને લઈને જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. સાથે જ સમગ્ર ઘટનાને લઈ માતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફ કડોદરા પોલીસે બાળકના પિતા રિયાઝ શાહની કલમ 151 મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી અને ત્યાર બાદ માતાએ  નોંધાવેલી કલમ-498ના ગુનાને લઇ રિયાઝ શાહનેકોર્ટમાં મોકલ્યા હતા. સાથે જ બાળકની કસ્ટડી માટે પણ કોર્ટનો અભિપ્રાય લેવા તાકીદ કરી હતી. હાલમાં સમાજમાં છાશવારે આવી ઘટનાઓ બને છે જેમાં માતા પિતાના ઝઘડા વચ્ચે બાળકો માનસિક રીતે  પણ હેરાન થતા હોય છે કે તેઓ માતા -પિતા બેમાંથી કોની સાથે  રહે?

Published on: Jan 05, 2023 08:59 AM