સૂરતમાં પૂર ઓસર્યા બાદ સામે આવ્યો તબાહીનો મંજર, ગેરેજમાં વાહનો રિપેર કરાવવા લાગી મોટી લાઈનો- Video

સુરતમાં 18 ઇંચ વરસાદથી આવેલ ભયાનક પૂર બાદ તબાહીનો મંજર સામે આવ્યો છે. હજારો વાહનો, જેમાં કાર અને ટુ-વ્હીલર, પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાન થયું છે. વાયરિંગ અને એન્જિન ખરાબ થવાથી વાહન માલિકોને આર્થિક ફટકો પડ્યો છે. હાલ ગેરેજમાં જે પ્રકારે વાહનો રિપેર કરવા માટે લોકોની લાઈનો લાગી છે તે આજ સુધીના ઈતિહાસમાં સૌથી વધુ છે.

| Updated on: Jul 10, 2026 | 8:10 PM

સુરતમાં એકસાથે 18 ઈંચ વરસાદ ખાબકી જતા ચારેતરફ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પૂરે જે વિનાશ વેર્યો છે તેનો ચિત્તાર હવે પાણી ઓસર્યા બાદ સામે આવી રહ્યો છે. હજારો વાહનોમાં પાણી ભરાઈ જતા નુકસાન પહોંચ્યુ છે અને વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરના પૂણા, સરોલી, લિંબાયત, ઉધના, વરાછા અને કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને રસ્તાઓ પર પાર્ક કરેલા હજારો ટુ-વ્હીલર અને કાર ગળાડૂબ પાણીમાં ગરકાર થઈ ગઈ. જેના કારણે વાહનોના વાયરીંગને લઈને તમામ પૂર્જા ખરાબ થઈ ગયા છે.

અનેક વાહનોના એન્જિનમાં પાણી ભરાઈ જતા વાહનો ભંગાર બની ગયા છે. હવે જ્યારે શહેરમાં થોડા પાણી ઓસર્યા છે ત્યારે ગેરેજમાં વાહનો રિપેર કરાવવા માટે લાંબી લાંબી કતારો લાગી રહી છે. ખુદ ગેરેજ સંચાલકો સ્વીકારી રહ્યા છે કે તેમણે આટલા વર્ષોમાં આટલી ભીડ નથી જોઈ.  ગેરેજ માલિકોનું કહેવુ છે કે વરસાદ એટલો ભયાનક હતો કે લોકોની ગાડીઓમાં શોર્ટ સર્કિટ થવાથી મોટાપાયે વાયરીંગ બળી ગયુ છે. વોરંટીમાં હોવા છતા બેટરી પણ ફેલ થઈ ગઈ છે. તો ફિલ્ટર અને એન્જિનમાં પાણી ભરાઈ જવાથી ગાડીઓને રિપેર કરવામાં પણ ખાસ્સો સમય માગી લેશે.

હાલ તો ખમીરવંતા સુરતીઓ આ કુદરતી આપદાની થપાટો ખાધા પણ હિંમતભેર બેઠા થયા છે અને ધીમે ધીમે પોતાનું જીવન સામાન્ય બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

Input Credit- Baldev Suthar- Surat

 

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

Published On - 8:10 pm, Fri, 10 July 26

Follow Us