Surat Breaking News : નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના લાગ્યા આરોપ !
ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કથિત મીલીભગત સામે આવી છે. એક પછી એક સામે આવી રહેલા વીડિયો અને તસવીરો મનપાના દાવા પર સવાલો ઊભા કરી રહ્યા છે.
સુરતના નાસીર નગરમાં લગભગ 100 મકાનો તોડી પાડવાના વિવાદે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કથિત મીલીભગત સામે આવી છે. એક પછી એક સામે આવી રહેલા વીડિયો અને તસવીરો મનપાના દાવા પર સવાલો ઊભા કરી રહ્યા છે.
SMC અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગ સામે આવી
માહિતી અનુસાર, મનપાના રોડ ડેવલપર હેડ સુજલ પ્રજાપતિ અને શ્રીરામ એજન્સીના માલિક તથા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત ડિમોલિશનના દિવસે સ્થળ પર હાજર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ છે કે બંનેની મીલીભગતથી સમગ્ર ડિમોલિશન કામગીરીને અંજામ આપવામાં આવ્યો હતો. આક્ષેપો મુજબ, ડિમોલિશન માટે ઉપયોગમાં લેવાયેલ JCB પણ તેજુ રાજપૂતે મોસીન ફ્રુટવાળા પાસેથી મંગાવ્યું હતું. જેના કારણે સમગ્ર કાર્યવાહી પાછળ ખાનગી સ્તરે ગોઠવણ થઈ હોવાની ચર્ચા તેજ બની છે.
ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા
આ પહેલાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાલાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ માથે રૂમાલ બાંધી ડિમોલિશન સાઇટ પર જોવા મળ્યા હતા. જોકે અગાઉ તેમણે દાવો કર્યો હતો કે SMC દ્વારા કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું નથી. વીડિયો સામે આવતા તેમના દાવા પર પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આરોપ છે કે નોટિસ આપ્યા વગર ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
SMC દ્વારા રચાયેલ તપાસ સમિતિ પર ઉઠ્યા સવાલ
વિવાદ વચ્ચે SMC દ્વારા રચાયેલી તપાસ સમિતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ડિમોલિશન મનપા દ્વારા કરવામાં આવ્યું ન હતું, તો પછી મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે શું કરી રહ્યા હતા? આ સવાલનો જવાબ મળ્યા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.