Junior Clerk Paper leak : અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશન પર ઉમેદવારોનો ચક્કાજામ, સરકાર પર કર્યા આક્ષેપ, જુઓ Video
અમદાવાદ (Ahmedabad) અને મહેસાણા સહિતના શહેરોના એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થતાં ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં પરીક્ષા આપવા પહોંચેલા લાખો પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ થવાથી હતાશ થયા છે. અમદાવાદ અને મહેસાણા સહિતના શહેરોના એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. રોષે ભરાયેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવી સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદમાં ગીતા મંદિર ખાતે ઉમેદવારોના હોબાળાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ પોલીસ વિદ્યાર્થીઓને શાંત પાડી તેમને સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળી.
પેપર ફૂટવાને લઇ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષા રદ થયા બાદ અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશન પર ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારો સમગ્ર ઘટનાને લઇને સરકારને જ જવાબદાર ગણાવી રહ્યા છે. ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા કહ્યુ કે, સરકાર એક પરીક્ષા વ્યવસ્થિત લઇ નથી શકતી. જેના કારણે લાખો ઉમેદવારોના સપના અધૂરા રહી જશે.
મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.