Valsad: પૂરમાં ફસાયેલા બે યુવકનું હેલિકોપ્ટરથી કરાયુ રેસ્ક્યૂ, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video

|

Jul 11, 2022 | 2:37 PM

હેલિકોપ્ટરની મદદથી વલસાડના (Valsad) હિંગળાજ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરાયુ. વલસાડમાં હેલિકોપ્ટરની મદદથી પૂરમાં ફસાયેલા બે યુવકને બચાવવામાં આવ્યા.

વલસાડ (Valsad) જિલ્લામાં સાંબેલાધાર વરસાદ (Rain) બાદ તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કોલક અને પાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ. વલસાડ જિલ્લામાં નદી કિનારાના કેટલાક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નળીમધની, અરણાઈ, કુંડા, આમધા સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટની (Helicopter) મદદથી પૂરમાં ફસાયેલા બે યુવકોને બચાવી લીધા છે.

બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ

હેલિકોપ્ટરની મદદથી વલસાડના હિંગળાજ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. વલસાડમાં હેલિકોપ્ટરની મદદથી પૂરમાં ફસાયેલા બે યુવકને બચાવવામાં આવ્યા. દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી બંને યુવકોને દોરડુ બાંધીને ઉપર ખેંચ્યા. પૂરમાં લાંબા સમયથી ફસાયેલા બે યુવકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સ્થાનિકોએ કોસ્ટગાર્ડને જાણ કરતા જ હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યૂ કરીને બંને યુવાનોને સલામત બચાવી લેવામાં આવ્યા હતા. વલસાડમાં જળબંબાકારની સ્થિતિને જોતા હજીરાથી NDRFની ટીમને બોલાવવામાં આવી છે.

ઔરંગા નદીમાં પૂર આવ્યુ

વલસાડમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા ઔરંગા નદીમાં પૂર આવ્યુ છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયું છે. કશમીરા નગર, બરુડિયા વાડ, તરિયાવાડ, લીલાપોરમાં પાણી ભરાયું છે. જેના પગલે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. NDRF અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની સ્થળાંતરની તૈયારી કરવામાં આવી છે.

Published On - 1:32 pm, Mon, 11 July 22

Next Video