કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે માવઠાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે પણ કચ્છ જિલ્લાના મોટાભાગના શહેરોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેમા રાપર, ગાગોદર, ગેડી, ભીમદેવકા, સુદાણા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. બાદરગઢ અને નીલપર ગામમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે. રાપરના અનેક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો આજે સવારે ગાંધીધામના પડાણા પાસે ચક્રવાતમાં મીલના પતરા ઉડી ગયા હતા. દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તોફાની પવનમાં પતરા પણ ટકી શક્યા ન હતા પવનની સાથે ઉડી ગયા હતા.
આ તરફ કચ્છમાં શનિવારે બપોરે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્ય હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ પાણીની નદીઓ વહી હતી. કચ્છના મુખ્ય મથક ભુજમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી અને 4 વાગ્યાથી 5-30 વાગ્યાની વચ્ચે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભુજમાં બે ઇંચ વરસાદથી બસ સ્ટેશન, વાણિયાવાડ ધનશ્યામ નગર સહીતના વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ કચ્છના રાપરમાં તો કરાં પણ પડ્યા હતા .
ભુજના કોટાય ગામમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામની નદીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ લોડાઇ વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો: Gujarati Video : રાજ્યના 53 તાલુકાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ, ભુજમાં 2 ઈંચ અને પાટણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો