બનાસકાંઠાના અંતરિયાળ ગામની શાળામાં શિક્ષકોની ગુલ્લી, વિદ્યાર્થીઓએ જ ખોલી પોલ, જુઓ Video

|

Dec 28, 2022 | 10:00 AM

બનાસકાંઠામાં (Banaskantha) શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓએ જાતે જ અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે શિક્ષક વિનાના વર્ગમાં અભ્યાસ કરી રહેલા બાળકોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાજ્યમાં શિક્ષણમાં હાઈટેક સુવિધાના સરકાર દ્વારા મસમોટા દાવા થાય છે. પરંતુ અંતરિયાળ વિસ્તારની શાળામાં શિક્ષકો નિયમિત ન આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યાં છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓએ જાતે જ અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે શિક્ષક વિનાના વર્ગમાં અભ્યાસ કરી રહેલા બાળકોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં આવા શિક્ષકો સામે રોષ જોવા મળી રહ્યો છે.

ગુલ્લીબાજ શિક્ષક સામે પગલા લેવા માગ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ધામણવા ગામની એક પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે. એક જાગૃત નાગરિકે બનાવેલા વીડિયોમાં બાળકોને શિક્ષકોને લઈ સવાલ પૂછવામાં આવ્યા હતા. તો બાળકો બિંદાસ જવાબ આપે છે કે, શિક્ષક આવ્યા જ નથી, એટલે વિદ્યાર્થીઓએ જાતે જ અભ્યાસ કાર્ય શરૂ કર્યું છે. ધામણવા ગામની આ પ્રાથમિક શાળામાં 125 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ શિક્ષક છે અને તે પણ નિયમિત ન આવતા હોવાથી બાળકો અભ્યાસ પર અસર થઇ રહી છે. આ ગુલ્લીબાજ શિક્ષકો સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક પગલા લેવા વાલીઓમાં માગ ઉઠી છે.

મહત્વનું છે કે એક તરફ રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિમાં ધો.6થી 8માં 10 દિવસ બેગલેસ અભ્યાસની શરૂઆત કરવાનું નક્કી કર્યુ છે. જે મુજબ વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે અને આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. તો બીજી તરફ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં શાળામાંથી શિક્ષકો જ ગુલ્લી મારી રહ્યા છે. ત્યારે નવી શિક્ષણનીતિમાં પણ આ બાળકોનું શિક્ષણ કેવી રીતે થશે તે સવાલ થઇ રહ્યા છે.

Next Video