અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાના પ્રયાસ અંગે ઋષિ ભારતી બાપુએ ખોલ્યા પત્તા- Video
ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજના અગ્રણી ઋષિ ભારતી બાપુએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા નિરાશા વ્યક્ત કરી છે. માણસાના સંમેલનમાં તેમણે કહ્યું કે આ માટે અનેક પ્રયાસો છતાં સફળતા ન મળી. તેમણે સમાજના નેતાઓને કૂટનીતિ શીખીને 'પાવર' માં આવવા હાકલ કરી. જોકે, અલ્પેશ ઠાકોરે આ નિવેદનને બાપુનો અંગત વિચાર ગણાવી, પદ માટે કર્મ પર ભાર મૂક્યો હતો.
ગુજરાતના રાજકારણમાં આજે માણસાના ધમેડા ગામે આયોજિત ઠાકોર સમાજના એક સંમેલનમાંથી એક મોટો રાજકીય મુદ્દો ઉભો થયો છે. ઠાકોર સમાજના અગ્રણી ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે સમાજ તરફથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં આ માટે અનેક બેઠકો અને સંમેલનો યોજાયા હતા, પરંતુ આટલા પ્રયાસો છતાં અલ્પેશ ઠાકોરને ન તો નાયબ મુખ્યમંત્રી બનાવાયા કે ન તો મંત્રી મંડળમાં કોઈ સ્થાન મળ્યું, જેનું તેમને દુઃખ છે.
ઋષિ ભારતી બાપુનો કૂટનીતિ પર ભાર
ઋષિ ભારતી બાપુએ આ સંમેલનમાં સમાજના નેતૃત્વ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો “વાઈટ કોલર ગુલામી” કરી રહ્યા છે. તેમણે સમાજના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “સમાજના નેતાઓને રાજનીતિ તો આવડે છે, પરંતુ, કૂટનીતિ નથી આવડતી. હવે કૂટનીતિ શીખીને આપણે પોઝિશનમાં નહીં, પણ પાવરમાં આવવું પડશે.”
નિવેદન પર અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા
ઋષિ ભારતી બાપુના આ ચોંકાવનારા નિવેદન પર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તુરંત પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશ ઠાકોરે ઋષિ ભારતી બાપુના નિવેદનને તેમના અંગત વિચાર જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “કામ કરવાથી પસંદગી થાય, કોઈના કહેવાથી નહીં. કોની શું ઈચ્છા હોય તેનું મહત્વ નથી, તમારે કર્મ કરવું પડે.” તેમણે કહ્યું કે યોગ્ય સમયે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવતો જ હોય છે.
Input Credit- Himanshu Patel, Sachin Patil
