દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી સર્જાઈ હોવાનો આક્ષેપ સેનેટ સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાના પેપરને લઈ ગંભીર ભૂલ કરવામાં આવી છે. આ અંગે સેનેટ સભ્ય દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ડો ભાવેશ રબારીએ પત્ર લખ્યો હતો કે, હાલમાં પુરક પરીક્ષા લેવામાં આવી રહી છે. આ દરમિયાન જેઝેડ શાહ અમરોલી કોલેજમાં આગળના દિવસના પેપરને ખોલી દેવામાં આવ્યા હતા. SY B.co ના BA વિષયના બદલે આગળના દિવસના Benking વિષયનુ પેપર ખોલીને વિદ્યાર્થીઓને આપી દેવાયાનો ગંભીર છબરડો સર્જી દીધો હતો.
વિદ્યાર્થીઓ પાસેથી મળેલી વિગતોના આધાર પર સેનેટ સભ્ય ડો રબારીએ આ અંગે લેખિત રજૂઆત કરી છે. અગાઉ વાડિયા મહિલા અને એમટીબી કોલેજમાં પણ પેપર આગળના દિવસના વહેલા ખોલી દેવામાં આવ્યા હતા. જેને લઈ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાર બાદ પણ આવી ઘટનાઓ સર્જાઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા આવી ઘટનાઓ અટકાવવા માટે કોલેજોને સૂચનાઓ કરવા છતાં ગંભીર ભૂલો જારી રહી છે. પેપર એક દિવસ અગાઉ જ ખૂલી જવાની ઘટનાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Published On - 11:25 pm, Tue, 8 August 23