સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ ! કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં
સાબરકાંઠામાં ઉંચા વળતરની લાલચે ભૂપેન્દ્ર ઝાલા નામના ભાજપ નેતાએ લોકોને એવા તો ઉઠા ભણાવ્યા કે, 5 વર્ષમાં રૂપિયા 6 હજાર કરોડ સમેટી લીધા. કૌભાંડની નનામી અરજી મળતા CIDએ તપાસ શરૂ કરી. જોકે તપાસની ગંધ આવી જતા આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભુગર્ભમાં ઉતરી ગયો છે.
કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે, કંઇક આવો જ ઘાટ સાબરકાંઠામાં સર્જાયો છે. ઉત્તર ગુજરાતનું BZ ગ્રુપનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ભાજપ નેતાએ રૂપિયા 6 હજાર કરોડનું ફુલેકું ફેરવ્યું છે. ઉંચા વળતરની લાલચે ભૂપેન્દ્ર ઝાલા નામના ભાજપ નેતાએ લોકોને એવા તો ઉઠા ભણાવ્યા કે, 5 વર્ષમાં રૂપિયા 6 હજાર કરોડ સમેટી લીધા. શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે.
કૌભાંડની નનામી અરજી મળતા CIDએ તપાસ શરૂ કરી. જોકે તપાસની ગંધ આવી જતા આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભુગર્ભમાં ઉતરી ગયો છે. હાલ કૌભાંડીની તમામ ઓફિસો પર ખંભાતી તાળી લટકી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં કૌભાંડીના એક પછી એક ખેલ ખુલ્લા પડી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની ધાક જમાવવા નેતાઓ સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
CID દ્વારા હાલ એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. અનંત દરજી એજન્ટની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભૂપેન્દ્ર ઝાલા, દરેક એજન્ટને રોકાણ સામે 5થી 25 ટકાનું કમિશન આપતો હતો. CIDએ બે બેંક ખાતાની તપાસ કરતા, બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું છે.