સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં દિવાળીના તહેવારો પહેલા સ્વચ્છતાને લઈ મહાઅભિયાન 1 ઓક્ટોબરથી શરુ કરવામાં આવ્યુ છે. શહેરમાં સફાઈ અંગેની જાગૃતિ ફેલાવવા સાથે શહેરીજનોને તેમાં જોડીને શહેરને ચોખ્ખુ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરુપે શહેરમાંથી 500 ડમ્પર કરતા વધુ કચરો દૂર કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે શહેરના તમામ નાના મોટા વેપારીઓને ડસ્ટબીન 15 લીટરની ક્ષમતા ધરાવતા નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
વેપારીઓને સ્વચ્છતા જાળવવાની અપીલ કરીને હિંમતનગરના ધારાસભ્ય વિડી ઝાલાના હસ્તે 5000 ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા હતા. 5000 ડસ્ટબીન સ્વચ્છતાની અપીલ સાથે દમણથી પ્રશાસક પ્રફુલ પટેલે ભેટ રુપે હિંમતનગર મોકલ્યા હતા. તેઓએ હિંમતનગરના શહેરીજનોને સ્વચ્છ હિંમતનગર બનાવવા માટે અપીલ કરી હતી. દિવાળીના તહેવારો સ્વચ્છતાની સાથે ઉજવવા માટે સંદેશો આપ્યો હતો. જેને લઈ શહેરના અગ્રણી રોડ કોન્ટ્રાક્ટરો કે જે શહેરથી અને રાજ્યથી લઈ દેશના અનેક હિસ્સાઓમાં હાઈવે નિર્માણ કાર્ય કરે છે, તેઓએ શહેરને સ્વચ્છ કરવાનુ અભિયાન ઉપાડ્યુ હતુ. મોંઘીદાટ મશીનરીઓ સાથે શહેરમાંથી કચરાને દૂર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જેમનુ શહેરીજનો અને પાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા ક્લેકટર નૈમેષ દવે, શહેર અગ્રણી સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.