ખેડા (Kheda) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના (Dakor) પ્રસિદ્ધ રણછોરાયજી ટેમ્પલ કમિટીની માલિકીના ભોજનાલયને લઈ વિવાદ વકર્યો છે. યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરની ડાકોર ટેમ્પલ કમીટી (Dakor Temple Committee) સંચાલિત રણછોડરાય ભોજનાલય નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ ભોજનાલયના કોન્ટ્રાક્ટરને 4 ફેબ્રુઆરી 2018થી ટેન્ડર પ્રક્રિયા બાદ કબ્જો સોંપાયો હતો. જેનો કરાર 31 ઓક્ટોબર 2020એ પૂર્ણ થતો હતો. જો કે કોન્ટ્રાક્ટરે ભોજનાલયનો કબ્જો ટેમ્પલ કમિટીને કરાર મુજબ પરત ન સોંપતા લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદને લઈ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટીના ભોજનાલાય પર ગેરકાયદે કબ્જો જમાવવાનો કોન્ટ્રાક્ટર પર આરોપ લાગ્યો છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર 50 લાખ રૂપિયાની બાકી ચુકવણી ટેમ્પલ કમિટી ન કરતી હોવાનું જણાવે છે. ડાકોર મંદિરમાં આવતા યાત્રાળુઓએ મંદિર તરફથી મફત ભોજનનો પાસ આપવામાં આવે છે. આ યાત્રાળુઓના ભોજનની ટોકન રકમ બાદમાં ટેમ્પલ કમિટી ચુકવી આપે છે. આ અંગેનો પહેલાથી કરાર થયેલો છે. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખ રૂપિયા ચુકવવામાં ન આવતા કોન્ટ્રાક્ટરે ભોજનાલય ખાલી કર્યું નથી.આ સમગ્ર વિવાદ ડાકોરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હાલ તો સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો છે અને સમગ્ર કરાર અને કોન્ટ્રાક્ટ અંગેની જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો