ગ્રેડ પે મામલે નિવૃત્ત DYSP ના ગંભીર આક્ષેપો, ‘સીનિયર અધિકારીઓને ટેનિસ રમવા લાખો રૂપિયાનો ખર્ચ’
પોલીસ ગ્રેડ પે મામલે નિવૃત્ત અધિકારીઓ પણ સમર્થનમાં આવ્યા છે. એટલું જ નહીં એક નિવૃત્ત અધિકારીએ સિનીયર અધિકારોઓ અને સિસ્ટમને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.
ગ્રેડ-પે મુદ્દે પોલીસ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. પોલીસ સિવાય સામાન્ય જનતા અને નિવૃત્ત કર્મચારીઓ હવે પોલીસકર્મીઓના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે ગ્રેડ-પે મુદ્દે પોલીસ આંદોલનને લઈને વડોદરાના નિવૃત્ત DYSP આર એલ સંઘાણી આંદોલનકારી પોલીસના સમર્થનમાં આવ્યા છે. સાથે જ તેમણેઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું, પોલીસ વેલ્ફેર ફંડનો ગંભીર દુરુપયોગ થાય છે. નિવૃત્ત DYSP આર એલ સંઘાણીએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે સીનિયર અધિકારીઓને ટેનિસ રમવાનું હોય તો લાખો રૂપિયા ખર્ચ કરે છે.
નિવૃત્ત DYSP આર એલ સંઘાણીએ ગ્રેડ પે મામલે પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું પોલીસ કર્મચારીઓ પે ગ્રેડ સહિતના લાભ આપવા જ જોઈએ. નિવૃત્ત પોલીસ અધિકારીએ એમપણ કહ્યું કે, જો કોઈ વિસ્તારમાં દારૂ પકડાય તો કોન્સ્ટેબલ, PSI, પી આઈને કેમ સસ્પેન્ડ કરવામાં આવે છે? જો કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય, પરંતુ કોઈ IPS સામે ક્યાં પગલાં લેવાયા? આ બધા આક્ષેપો લગાવતા નિવૃત્ત અધિકારીએ કહ્યું કે પોલીસ પીડિત છે.
તો તમને એમ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગઈકાલે સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ આંદોલન મોકૂફ (Postpone) રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકાર સાથે વાતચીત બાદ 15 જેટલી માંગોની યાદી સોંપવામાં આવી છે. તેમજ હાલ પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત પોલીસ પરિવારના સભ્યે મીડિયા સમક્ષ કરી હતી.