Morbi Tragedy: મોરબી દુર્ઘટનામાં 5 દિવસ બાદ રેસક્યુ ઓપરેશન પૂર્ણ જાહેર કરાયુ

|

Nov 03, 2022 | 11:29 PM

Morbi Tragedy: મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં રેસક્યુ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યુ છે. 30 ઓક્ટોબરે સાંજે પૂલ તૂટ્યા બાદ 5 દિવસ સુધી સતત રેસક્યુ ઓપરેશન ચાલ્યુ. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે જેમા 50 જેટલા ભૂલકાઓના મોત થયા છે.

મોરબીમાં બનેલી પુલ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. 135 નિર્દોષ લોકોએ કોઈ દોષ વિના જીવ ગુમાવ્યો છે. 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું છે. 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું છે. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નહતો. કોઈ મૃતદેહ ના મળતાં સર્ચ ઓપરેશન બંધ કરાયું છે. કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી.

મોરબી ઝુલતો પૂલ દુર્ઘટનામાં અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં 50 જેટલા નિર્દોષ માસૂમ ભૂલકાઓના પણ મોત થયા છે. આ સમગ્ર ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિષ્પક્ષ અને ઝડપી તપાસના કડક આદેશ આપ્યા છે. પીએમ મોદી મંગળવારે (01.11.22) મોરબી ગયા હતા અને તેમણે અસગ્રસ્તોને મળવા માટે સિવિલ ગયા હતા. આ ઉપરાંત વડાપ્રધાને મૃતકોના પરિજનોને પણ મળીને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના સ્વજનોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવી છે તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિજનોને 2 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવી છે.

Next Video