31Stની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે આમંત્રણ કાર્ડ બનાવી અસામાજિક તત્વોને ચેતવ્યા, કહ્યુ- અમારી મહેમાનગતિથી સાવચેત રહેજો

| Edited By: | Updated on: Dec 31, 2022 | 6:51 PM

Ahmedabad: 31Stની ઉજવણીમાં બેફામ બનતા અસામાજિક તત્વોને અમદાવાદ પોલીસે અનોખા અંદાજમાં ચેતવ્યા છે. અનોખુ ઈન્વિટેશન કાર્ડ બનાવી અમારી મહેમાનગતિથી સાવચેત રહેવાની તાકીદ કરી છે.

અમદાવાદમાં ઠેકઠેકાણે થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ એક સ્થળે થયેલા આયોજન અને તેના આમંત્રણે શહેરભરમાં ચર્ચા જગાવી છે. એ સ્થળ છે પોલીસ સ્ટેશન અને આમંત્રણ આપનાર છે અમદાવાદ પોલીસ. જી હાં, અમદાવાદ શહેર પોલીસે આગવા અંદાજમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં બેફામ થઈ જતા અસામાજિક તત્વોને ચેતવણી આપી છે. અમદાવાદ પોલીસે અનોખું ઇન્વિટેશન કાર્ડ બનાવી અમારી મહેમાનગતિથી સાવચેત રહેવાની તાકીદ કરી છે. પોલીસે રસપ્રદ અંદાજમાં જણાવ્યું કે બેફામ વાહનો હાકનારા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરનારા તેમજ હિંસક પ્રવૃતિઓ કરનારાઓ માટે ફ્રી એન્ટ્રી રહેશે. પાર્ટીના સ્થળ તરીકે નજીકનું પોલીસ સ્ટેશન દર્શાવ્યું છે તો ડીજે લોકઅપ દ્વારા સ્પેશિયલ પર્ફોમન્સ પણ આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

અમદાવાદમાં મહત્વની જગ્યાઓ પર ચેકપોસ્ટ ઉભી કરાઈ

આ તરફ 31st ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઇને પોલીસ વધુ એલર્ટ બની છે. શહેરના વિશાલા ચેક પોસ્ટ પર પોલીસની ટીમો દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત અમદાવાદ શહેરની તમામ મહત્વની જગ્યાઓ પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસની વિવિધ ટીમો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી દરેક શકમંદ પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

શહેરમાં 200 નાકાબંધી પોઈન્ટ બનાવાયા

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસેએક્શન પ્લાન બનાવ્યો છે. દારૂ પીધેલા લોકોને પકડવા માટે પોલીસે શહેરના તમામ પોઇન્ટ પર નાકાબંધી કરી છે. સિંધુ ભવન રોડ, SG હાઇવે અને રિવરફ્રન્ટ પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસન એક્શન પ્લાનની વાત કરીએ તો 200 નાકાબંધી પોઇન્ટ બનાવાયા છે. પીધેલા લોકોને પકડવા પોલીસને 700 બ્રીથ એનલાઇઝર અપાયા છે. એટલું જ નહીં ટ્રાફિક ન સર્જાય તે માટે બોડીવોર્ન કેમેરા, ઇન્ટરસેપ્ટર વાનની મદદ લેવાશે. એટલું જ નહીં બહારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાશે.