અમરેલી જિલ્લાની રાજુલા પાલિકાના સફાઈ કામદારો 3 દિવસથી હડતાળ પર બેઠા છે. ત્યારે શહેરની સ્વચ્છતા જળવાય તે માટે સફાઈનો કોન્ટ્રેક્ટ લેનાર એજન્સીએ અન્ય કામદારો બોલાવી સફાઈ કરવાનો પ્રયત્ન કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. સ્થાનિક સફાઈ કામદારોએ સફાઈમાં વિક્ષેપ કરી 2 સ્થળ ઉપર કામગીરી અટકાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી. સફાઈ કામદારોના 15-15 દિવસના વારા રાખવામાં આવ્યા છે. જે બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને 25 વર્ષથી રોજમદારોને કાયમી કરવાની માગ કરાઈ છે.
તેવામાં હડતાળ પર બેઠેલા સફાઈકર્મીઓની હડતાળ અચાનક ઉગ્ર બની ગઈ હતી.,.,હડતાળ કરનાર કર્મચારીઓએ અન્ય એજન્સીના સફાઈ કરી રહેલા કર્મીઓ પાસેથી સાવરણા આંચકી લેતા વિવાદ વધુ વકર્યો હતો. સફાઈ કરનાર કર્મીઓ આસપાસ પોલીસ હતી છતાં તેમના હાથમાંથી આંદોલનકારીઓએ સાવરણા છીનવતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેવામાં કામગીરી અટકાવનાર 30થી વધુ સફાઈકર્મીઓની અટકાયત કરાઈ છે.
હાલ સમગ્ર ઘટનાને લઈ પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે સફાઈકર્મીઓએ 2 જગ્યાએ કામગીરીમાં વિક્ષેપ કરી માથાકૂટ કરી હતી. શહેરના લોકોમાં પણ સફાઈકામદારોની અટકાયત બાદ નારાજગી જોવા મળી રહી છે.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 7:14 pm, Thu, 4 September 25