Rajkot: વિરાણી સ્કૂલ ટ્રસ્ટનો વકર્યો વિવાદ, ચેરિટી કમિશનરે આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ Video
રાજકોટ વિરાણી સ્કૂલ ટ્રસ્ટનો વિવાદ વકર્યો છે. ટ્રસ્ટની જમીનનો વિવાદ ચુકાદા બાદ વધુ વકર્યો હતો. વિરાણી સ્કૂલ ટ્રસ્ટના વિવાદનો ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો છે. પૂર્વ વિદ્યાર્થીએ કરેલી વાંધા અરજીને કાઢી નખાઈ છે. ટ્રસ્ટી મંડળ આ જગ્યાનો કોઈ ખાનગી હેતુ માટે ઉપયોગ કરતી હોવાનો દાવો કરાયો હતો.
રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ જમીન વિવાદમાં ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો છે. વિરાણી હાઈસ્કૂલના રમતના મેદાનની 49 હજારથી વધારે વાર જગ્યા ટ્રસ્ટની માલિકી હોવાનો ચુકાદો અપાયો છે. પૂર્વ વિદ્યાર્થીએ કરેલી વાંધા અરજીને કાઢી નાખવામાં આવી છે. જેમણે વાંધા અરજી કરી હતી તે, પરસોત્તમ પીપળિયાનો દાવો છે કે, વિરાણી સ્કૂલને સરકારે શૈક્ષણિક હેતુ માટે જમીનની ફાળવણી કરી છે, અને શરતી માલિકીની જમીન છે. ટ્રસ્ટી મંડળ આ જગ્યાનો કોઈ ખાનગી હેતુ માટે ઉપયોગ ન કરી શકે. ટ્રસ્ટ નફાના હેતુ માટે અથવા તો વેચાણ ન કરી શકે.
તો બીજી તરફ ટ્રસ્ટે આ આરોપો ફગાવી દીધા છે. ટ્રસ્ટના વકીલે કહ્યું છે કે, ચેરિટી કમિશનરે વાંધા અરજી ફગાવી દીધી છે. આ જગ્યા ટ્રસ્ટની માલિકીની છે. આ જગ્યામાં સરકારની કોઈ દખલગીરી નથી. સરકારે આ જગ્યા સોંપી હોય તેવા કોઈ રેવન્યૂ રેકોર્ડ નથી. જગ્યાનું શું કરવું તે અંગે ટ્રસ્ટ નિર્ણય લેશે. ભૂતકાળમાં આ જગ્યા અનેક કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવી છે, ત્યારે પણ સરકારે કોઈ શરતભંગનો કેસ કર્યો નથી.
આ પણ વાંચો : ધોરાજી માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની પુષ્કળ આવક, પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીના લહેર
મહત્વનું છે કે, ટાગોર રોડ પર આવેલી વિરાણી હાઇસ્કૂલની બજાર કિંમત હાલમાં કરોડો રૂપિયા છે. તાજેતરમાં આ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા હતા. અને નવા ટ્રસ્ટી મંડળની રચના થઈ હતી. જે બાદ ટ્રસ્ટે વેચાણ માટેની પરવાનગી માગતા વિવાદ સામે આવ્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો