Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુ ધવા ફરી વિવાદમાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને લઇને વિનુ ધવા અને ડૉ.જયેશ વાંકાણી વચ્ચે બબાલ થઇ હતી. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં વિનુ ધવાએ અધિકારીને ફડાકાં ઝીંક્યા હોવાની પણ ચર્ચા છે જો કે ફડાકાની વાતને સમર્થન મળ્યુ નથી અને વિનુ ધવાએ સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
વિનુ ધવાએ દાવો કર્યો હતો કે એક અરજદાર પોતાના પ્રશ્નને લઇને છેલ્લા 15 દિવસથી પરેશાન થઇ રહ્યો હતો.પરંતુ અધિકારી યોગ્ય જવાબ નહોતા આપતા. જેથી મામલો ગરમાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વિનુ ધવાના વર્તન બાદ કર્મચારીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તબક્કે પોલીસ ફરિયાદ કરવા સુધીની સ્થિતિ ઉભી થઇ હતી પરંતુ આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને મધ્યસ્થી કરાવી હતી અને ગેર વર્તન બદલ માફી મંગાવીને બંન્ને વચ્ચે મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: વિધર્મી ક્રિકેટ કોચે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી, યુવતીએ યુવક સાથે જવાનો કર્યો ઈનકાર
વિનુ ધવાનું અધિકારીઓ સાથે આ પ્રકારનું વર્તન પ્રથમ વખત નથી. આ અગાઉ 13 જુલાઇના રોજ વિનુ ધવાએ શહેરમાં બાકી કામોને લઇને સિટી ઇજનેર કોટકનો ઉધડો લીધો હતો અને કામગીરી અંગે ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. બિસ્માર રસ્તાઓ અને ધીમી ગતિએ ચાલતા કામોને લઇને તેમણે આકરૂ વલણ અપનાવતા ધવાએ એન્જિનિયરને કહ્યું હતું કે- કોન્ટ્રાક્ટરને છાવરવા ન જોઇએ..જે કોન્ટ્રાક્ટર કામ ન કરતા હોય તેને નોટિસ આપવી જોઈએ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:09 pm, Sat, 12 August 23