Rajkot: ગૃહિણીઓનું ખોરવાયુ બજેટ, મસાલાને લાગ્યુ મોંઘવારીનું ગ્રહણ, ભાવમાં 30થી 40 ટકાનો થયો વધારો

|

Apr 08, 2023 | 8:37 PM

Rajkot: હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. જો કે આ મસાલાને પણ આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે. દરેક મસાલામાં 30થી 40 ટકાનો ભાવવધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની ગઈ છે અને 12 મહિનાના મસાલા ભરાવા કે કેમ તેને લઈને પણ મૂંઝવણમાં મુકાઈ છે.

મરી મસાલા ભરવાની સીઝન આવી ગઈ છે. પરંતુ જે મસાલા ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાવે છે, તે જ મસાલાના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે. ગત વર્ષની સરખામણીએ ગરમ મસાલાના ભાવમાં 30થી 40 ટકાનો વધારો ઝિંકાયો છે. જેણે ગૃહિણીઓનું બજેટ ખોરવી દીધું છે.

મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્યતેલના ભાવ ભડકે બળે છે. દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ત્યારે હવે મસાલામાં પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મસાલાના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. ત્યારે ગૃહિણીઓની હાલત કફોડી થઈ છે. ઘર ચલાવવા માટે જે બજેટ મળે છે. તેમાં આ મોંઘવારીના મારથી એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: Rajkot: માવઠાના માર વચ્ચે રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતને મણ ઘઉંએ 900 રૂપિયા ભાવ મળતા ખુશખુશાલ

ભાવ પર નજર કરીએ તો ગત વર્ષે જે હળદરનો પ્રતિ કિલો ભાવ 180થી 200 રૂપિયા હતો, તેનો ભાવ 250 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો જે જીરૂના ભાવ ગત વર્ષે પ્રતિકિલો 250થી 300 રૂપિયા હતા તે આ વર્ષે વધીને 350થી 400 રૂપિયા થયા છે. મરચાની વાત કરીએ તો ગત વર્ષે મરચા 200 રૂપિયા પ્રતિકિલો હતા તેનો ભાવ વધીને 300થી 360 રૂપિયા થયો છે. વેપારીઓને મતે વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોનો પાક બગડ્યો હોવાથી મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે.

મરચું, ધાણાજીરૂ અને હળદરના ભાવ વધતા હાલ તો ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોઈ ભાવ નિયંત્રણમાં આવે તેવી માગ કરી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- હુસૈન કુરેશી- રાજકોટ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video