રાજકોટમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટીંગ કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ પંથકને મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલ વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો ખેડૂતોને તલ અને મગના પાકને નુકસાન જવાની ભીતિ છે.
આ તરફ વીરપુરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો. તોફાની પવન સાથે વરસાદ ખાબક્તા ખેતરોમાં ઉભો પાક નમી પડ્યો હતો. જેમા મોટા પાયે તૈયાર પાકને નુકસાની જવાની શક્યતા છે. બીજી તરફ ભારે પવન ફુંકાતા વીજળી પણ ડૂલ થઈ હતી.
આ તરફ ગોંડલ તાલુકામાં પણ વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ થતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જેમા કોટડા સાંગાણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સતત 15 દિવસથી કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જ્યારે ધોરાજી ઉપલેટમાં પણણ મેઘરાજા મુસીબત બનીને આવ્યા હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મોટી પાનેલી, હરિયાશણમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી. ઉપલેટાના કોલકી ખારચીયામાં પણ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.