Rajkot: ધોરાજીમાં વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિંત, ખેડૂતોને પણ પાક નુકસાનીની ભીતિ

|

Sep 26, 2022 | 8:37 PM

Rajkot: રાજકોટમાં ધોરાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ થતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. હાલ પાક તૈયાર થવાને આરે છે ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. જેમાં રાજકોટ (Rajkot)ના ધોરાજી તાલુકામાં વરસાદ (Rain)ને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. ધોરાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે. ધોરાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોના નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ જસદણમાં પણ સાંજના સમયે ફરી વરસાદ પડ્યો હતો. જસદણના ભડલી, ગઢાળામાં ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન (Crops Damage) થવાની ભીતિ વ્યાપી ગઈ છે.

ગીર સોમનાથમાં વિઘ્ન બનીને વરસ્યા મેઘરાજા

ગીર સોમનાથ જિલ્લામાં પણ નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડા, લોઢવા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયાકાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયુ હતુ.

રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

Next Video