Rajkot: પકડાયેલા આતંકીઓનું બાંગ્લાદેશ ક્નેક્શન, ત્રણેય આતંકીનો આકા હતો અબુ તલ્હા, મોબાઈલ એપ્લિકેશનથી એકબીજા સાથે કરતા સંપર્ક
Rajkot: રાજકોટ સોનીબજારમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓને લઈને ગુજરાત ATSએ ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. આ ત્રણ આતંકવાદીઓ રાજકોટના સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતા હતા. અને મુસ્લિમ કારીગરોને ટાર્ગેટ કરતા હતા અને અલકાયદામાં જોડાવા પ્રેરિત કરતા હતા. ત્રણેય બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હોવાનો ખૂલાસો થયો છે.
રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓને લઈને અનેક સનસનીખેજ ખુલાસા થયા છે. ATS દ્વારા ત્રણેય આતંકીઓને રાજકોટની મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ કરી તેમના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. આતંકી ષડયંત્ર અંગે ATSના એસપી ઓમપ્રકાશ જાટે માહિતી આપતા જણાવ્યું કે ત્રણેય પૈકી અમન મલિક અંદાજે એક વર્ષથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો. જે બાદ તેમની પાસેથી ટેલિગ્રામ અને કન્વર્સેશન એપ્લિકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો. જે બાદ અમન મલિકે પોતાની સાથે શકુર અલી અને સૈફ નવાઝને પણ જોડ્યા. ત્રણેય આતંકીઓ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને શોધી અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હતા.
ATSની ટીમને આતંકીઓ પાસેથી હથિયારો મળ્યા
ATSની ટીમને અમન પાસેથી સેમિ ઓટોમેટેડ પિસ્તોલ, 10 રાઉન્ડ કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળ્યા છે. સાથે જ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ્સ, ચેટ સહિત અનેક સ્ફોટક સામગ્રીઓ પણ મળી છે. જો કે આ હથિયારનું શું કરવું એ હજુ સુધી આતંકીઓએ નક્કી કર્યું નહોતું. હથિયારો કેવી રીતે ચલાવવા તે માટે અમન ગૂગલનો ઉપયોગ કરતો હતો. આ ત્રણેય અન્ય કેટલા લોકોના સંપર્કમાં હતા તે દિશામાં એટીએસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Rajkot: અલ-કાયદા સાથે સંકળાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ બાદ ATSએ 14 દિવસના રિમાન્ડની કરી માગ, જુઓ Video
કેવી રીતે પકડાયા આતંકવાદીઓ ?
પશ્ચિમ બંગાળના આ આતંકીઓની ગતિવિધિ ATSની નજરમાં આવી ગઈ હતી. વ્હોટ્સએપ અને કોલ ડીટેલ્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે તેમની ધરપકડ કરાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને અલકાયદામાં જોડાવવા માટે પ્રેરિત કરતા હતા. સાથે જ સોની બજારના મુસ્લિમ કારીગરોને તેઓ અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હતા. ATSએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા. આ મોડ્યુલ અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે. ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો