Panchmahal: રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરી દેવાઈ છે. જિલ્લાની દરેક પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર હાઈએલર્ટ પર છે. કડાણા અને પાનમ ડેમમાં પાણી છોડાતા ગામો એલર્ટ છે. તલાટી, સર્કલ અધિકારી અને વિસ્તરણ અધિકારીની ટીમો સજ્જ રખાઈ છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની તૈયારી રખાઈ છે. પોયડા ગામમાંથી 70 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. સૂચનાનું પાલન કરવા સ્થાનિકોને કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. મોરવા હડફ તાલુકામાં આવેલ હડફ ડેમ ઓવરફ્લો થતા ડેમના તમામ 5 દરવાજા ખોલી નખાયા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાંથી 43 હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું છે. વેજમાં માતરિયા પાસે આવેલ કોઝવે બંધ થયો છે. અવિરત વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદીકાંઠાના 6 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો