પાટણના રાધનપુરમાં તંત્ર એ કર્યુ બુદ્ધિનું પ્રદર્શન, જળબંબાકાર વચ્ચે નવો બનાવેલો રોડ ખોદી કાઢતા સ્થાનિકો આક્રોશિત- Video
પાટણના રાધનપુરમાં સાંબેલાધાર વરસાદ વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. જળબંબાકાર વચ્ચે નવો બનાવેલો રોડ ખોદી કઢાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પાટણમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસતા વરસાદ વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. એક તો ઠેકઠેકાણે ભારે વરસાદને પગલે પાણી ભરાયેલા છે અને સ્થાનિકો પહેલેથી હાલાકી વેઠી રહ્યા છે. એ સ્થિતિમાં જળબંબાકાર વચ્ચે તંત્ર દ્વારા નવો બનાવેલો રોડ ખોદી નખાતા લોકોમાં રોષ છે. મસાલી વિસ્તારમાં રસ્તો ખોદીને પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા બુદ્ધિનનું પ્રદર્શન કરવામાં આવતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. મસાલી વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે તંત્ર તરસ લાગ્યે કૂવા ખોદવા બેઠુ છે. હાલ પાણીના નિકાલ માટે ચાલુ વરસાદે રોડ પર જેસીબી દ્વારા ખોદકામ શરૂ કર્યુ છે.
એકતરફ રાધનપુરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. અનેક માર્ગો પર જળભરાવની સ્થિતિ છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
Input Credit- Sunil Patel- Patan